///

રાજસ્થાન હાઇકોર્ટે આસારામની વચગાળાની જામીન અરજી ફગાવી

રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુની વચગાળાની જામીન અરજી ફગાવવામાં આવી છે. આસારામે ખરાબ સ્વાસ્થ્યને કારણે સારવાર માટે વચગાળાના જામીનની માગ કરી હતી.

જોધપુર એઈમ્સમાં કોરોનાની સારવાર માટે દાખલ આસારામની અરજી રાજસ્થાન હાઇકોર્ટે ફગાવી દીધી છે. આસારામે આયુર્વેદ પદ્ધતિથી બે મહિના સુધી સારવાર માટે જામીન માટે અરજી કરી હતી. આસારામની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ છે. આસારામની જામીન અરજી ફગાવવામાં આવતા તેમણે ફરી જેલમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.

આ અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે એઈમ્સને રિપોર્ટ સાથે અન્ય તમામ તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યુ હતું. ત્યાર બાદ જોધપુર એઈમ્સમાં દાખલ આસારામની એન્ડોસ્કોપી પણ થઇ હતી, તેમણે અલ્સરની તકલીફ હતી. હાઇકોર્ટના જજ સંદીપ મહેતા અને ન્યાયાધીશ દેવેન્દ્ર કચ્છવાહની ખંડપીઠે એલોપેથી પદ્ધતિથી અલ્સરની સારવાર કરાવવાનું કહેતા જામીન અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, જો આસારામના સ્વાસ્થમાં સુધારો થયો તો તેમણે ફરી જેલમાં મોકલી દેવામાં આવશે.

સરકારી વકીલે કહ્યું કે, 14 મેએ ગેસ્ટ્રોઇટેસ્ટાઇલ રક્તસ્ત્રાવને કારણે તેમનું હીમોગ્લોબિન ઓછુ થઇ ગયુ હતું, તબીબોએ આસારામને બે યૂનિટ બ્લડ પણ ચઢાવ્યુ હતું, જેનાથી હવે હીમોગ્લોબિનમાં સુધારો થઇ ચુક્યો છે. આસારામને પહેલાથી જ ટ્રાઇજેમિનલ ન્યૂરાલ્જિયા, હદય રોગ માટે તેમની સારવાર સાથે હાઇપોથાયરાયડિજ્મ અને પ્રોટેસ્ટ હાઇપરપ્લાસિયા દવા ચાલી રહી છે, એઈમ્સના નવા રિપોર્ટ અનુસાર આસારામને તાવ ઓછો થઇ ગયો છે.

મહત્વનું છે કે, આસારામ વર્ષ 2013થી જ સતત જોધપુરની સેન્ટ્રલ જેલમાં છે અને કેટલીક વખત તેમણે બીમારીની સારવારના બહાને વચગાળાની જામીન અરજી કરી હતી, પરંતુ આજ સુધી ટ્રાયલ કોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ દરેક વખત આસારામનો પ્રયાસ ફેલ સાબિત થયો છે.

Leave a Reply

Your email address will not be published.