////

ઉત્તરાયણ પર્વ અંગે રાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું

કોરોના મહામારીમાં તહેવારોની ઉજવણી કરવી હવે દુષ્કર બની ગઈ છે. ત્યારે દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ કોરોના કેસોનો રાફડો ફાટ્યો હતો. દિવાળીમાં ઠેરઠેર જોવા મળેલી ભીડ બાદ કોરોનાએ ફરી એકવાર રાજયમાં માથુ ઉંચક્યું છે. ત્યારે હવે સરકાર અને પોલીસ આ મામલે કોઈ ઢીલ રાખવા માંગતી નથી. ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. ઉત્તરાયણના તહેવાર અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઉત્તરાયણના પર્વેને લઈને રાજકોટ પોલીસે મહિના અગાઉ જ જાહેરનામુ બહાર પાડી દીધું છે. જેમાં જણાવ્યા પ્રમાણે પતંગ ચગાવતી વખતે સામાજિક દૂરી જરૂરી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજકોટ પોલીસ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે.

આ ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. રાજકોટવાસીઓ લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી જ આ જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી લોકો ઉત્તરાયણની ઉજવણીમાં સંયમ જાળવે.

રાજકોટ પોલીસના જાહેરનામા અનુસાર, અનેક સૂચનાઓનું રાજકોટવાસીઓએ પાલન કરવાનું રહેશે. જેમાં કોઇપણ વ્યક્તિ શહેરના જાહેરમાર્ગ, રસ્તામાં પતંગ ઉડાવી નહિ શકે. ભયજનક ધાબા પર પણ પતંગ ઉડાવી શકાશે નહિ તેવી પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ, તો લોકોની લાગણી દુભાય તેવા લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહિ. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બામ્બૂ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહિ. તો પર્વ નિમિત્તે જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહિ. આ ઉપરાંત જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.