/////

અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમાર બિન હરીફ ચૂંટાયા, વાઇસ ચેરમેન પદનું પરિણામ નવેમ્બરમાં

આણંદ જિલ્લાની પ્રખ્યાત અમૂલ ડેરીમાં આજે શુક્વારે ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમૂલના નિયામક મંડળના 15 ડિરેક્ટરો અને 3 રાજ્ય સરકારે નિમણૂક કરેલા ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. જોકે, ગત ટર્મના અમૂલના ચેરમેન રામસિંહ પરમાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેઓ ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાયા હતા. જ્યારે વાઇસ ચેરમેનના પદ માટે મતદાન થયું હતું.

અમૂલના વાઇસ ચેરમેનની ચૂંટણી માટે કૉંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને રાજ્ય સરકાર નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી. જેના માટે આજરોજ મતદાન થયું હતું.

ઉલ્લેખનિય છે કે ગત વખતના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હોવાથી વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ હાઇકોર્ટ આગામી નવેમ્બર મહિનામાં જાહેર કરશે.

બીજી તરફ બિનહરીફ ચૂંટાયા બાદ અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતુ કે, “ચૂંટાયેલા સભ્યો અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ મને બિનહરીફ તરીકે ચૂંટ્યો છે. વાઇસ ચેરમેન પદે બે ફોર્મ ભરાયા હતા. જેમાં ગુપ્ત મતદાન થયું છે. જેનું પરિણામ કોર્ટમાં જ જાહેર કરવામાં આવશે.

રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું કે તેઓ ભવિષ્યમાં સભાસદોના કલ્યાણ માટે કામ કરતા રહેશે. નિયામક મંડળ હંમેશા સાથે રહીને કામ કરતું રહેશે. આ વખતે ચૂંટણીમાં ભાજપ કૉંગ્રેસ સામ સામે હતા તે મામલે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, તમામ લોકોને ચૂંટણી લડવાનો હક છે. કોઈ પણ ચૂંટાયને આવે અમૂલમાં ક્યારેય કોઈ વિવાદ નહીં થાય. નિયામક મંડળ એક રહીને જ નિર્ણય લેશે.

Leave a Reply

Your email address will not be published.