////

રથયાત્રા : ભગવાન જગન્નાથની રથયાત્રા સમય પહેલા જ સંપન્ન, રથ પહોંચ્યા નિજમંદિર

આજે કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકળી છે. ત્યારે વહેલી સવારથી જ તૈયારીઓ થઇ ગઇ છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવશે. મંગળા આરતીમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા.

ત્યારે હાલમાં ત્રણેય રથ દરિયાપુર પહોંચ્યા છે. માત્ર બે કલાકમાં પોણી રથયાત્રા પુરી થઈ ગઈ છે. કોટ વિસ્તારમાં ચુસ્ત કરફ્યુ જોવા મળી રહ્યો છે. ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યાં છે જ્યાં બહાર પ્રદીપસિંહ જાડેજાએ રથનું સ્વાગત કર્યું હતું. 10.46 વાગે પહેલો રથ જગન્નાથજીનો પરત આવ્યો ત્યારબાદ 10.49 વાગે સુભદ્રાજીનો રથ અને ભાઈ બલરામનો રથ 10.51 વાગે મંદિરમાં પરત આવ્યો છે.

આ સાથે જ રથયાત્રા વહેલી પુરી થતા 11.30 વાગ્યાથી અમદાવાદ કેટલાક વિસ્તારમાં લાગેલ કરફ્યુ હટાવાશે. આ પહેલા 2 વાગ્યા સુધીનો કરફ્યુ હતો.

પ્રદિપસિંહ જાહેજાએ નિવેદન કરતાં જણાવ્યું છે કે, રથયાત્રા કોરોનાની મહામારીમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં લોકોની શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્યનું પણ જતન થાય તે માટે પ્રોટોકોલનાં આધારે નીકળેલી રથયાત્રા સમગ્ર નગરની અંદર 20 કિલોમીટરની પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિર પરત આવી ગયા છે. તે આપણા બધા માટે આનંદનો વિષય છે.

તેમણે જણાવ્યું કે, મંદિરનાં મહારાજ દિલીપદાસજી, મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને આ આયોજન સાથે સંકળાયેલા તમામ લોકોનો હું આભાર માનું છું. પોલીસનાં જવાનોએ ઉચ્ચ બંદોબસ્ત નિભાવ્યો છે. આ બધા કરતાં પણ લોકોને જે અપીલ કરી હતી તે પ્રમાણે, લોકોએ ઘરમાં રહીને ટીવીનાં માધ્યમથી દર્શન કર્યા છે તે બદલ આભાર માનું છું. ફરી એકવાર જગતના તાત એવા જગન્નાથનાં ચરણોમાં પ્રાર્થના છે કે, આગામી વર્ષમાં આપણને કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપે અને આગામી ચોમાસું ઉત્તમ રહે.

ભગવાન જગન્નાથની રથયાત્રાનાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, ભગવાનની રથયાત્રા આટલા ઓછા સમયમાં શાતિથી પૂર્ણ થઇ છે. ત્રણેવ રથ મંદિરમાં પરત ફર્યા છે. ત્યારે અમદાવાદનાં મેયરે પણ લોકોનો આભાર માન્યો છે.

શહેર પોલીસ કમિશ્નરે રથયાત્રા શાંતિપૂર્વક યોજાવવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, રથયાત્રા શાંતિપૂર્ણ યોજાવવામાં પહેલો આભાર હું લોકોનો માનીશ કે તેમણે કોરોના પ્રોટોકોલનો ભંગ ન કર્યો અને શાંતિથી પોતાના ઘરેથી જ દર્શન કર્યા છે.

મહત્વનું છે કે, ગત્ત વર્ષે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આ વર્ષે કોરોના કેસો કાબુમાં હોવાથી રથયાત્રાને શરતી મંજુરી અપાઇ છે. જેના પગલે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવા જઇ રહી છે. જો કે સ્થિતી જોતા રથયાત્રા માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત લાવવાનું આયોજન હતું જે પૂર્ણ થયું છે.

અમદાવાદમાં રથયાત્રાના પગલે BRTS ના ઝુંડાલથી નારોલ, નરોડાથી ઇસ્કોન, એસપી રીંગરોડથી એલડી એન્જિનિયરીંગ, આરટીઓ સર્કુલર રૂટ, આરટીઓ એન્ટીસર્કુલર રૂટ બંધ રહેશે. આ ઉપરાંત 3 રૂટમાં આંશિક ફેરફાર કરાયા હતા.

આ ઉપરાંત અમદાવાદમાં રથયાત્રાના કારણે AMTS ના સંચાલનને પણ અસર પડી છે. 105 રૂટની 483 બસો પર કર્ફ્યૂની સીધી જ અસર થશે. જેમાં 46 રૂટ પરની 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટ ટુંકાવી દેવાયા છે. 2 રૂટ પરની બસો બંધ કરી દેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published.