///

RBIએ મહારાષ્ટ્ર સ્થિત કરાડ જનતા સહકારી બેંકનું લાઈસન્સ કર્યું રદ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ મહારાષ્ટ્ર સ્થિત કરાડ જનતા સહકારી બેંકનું લાઈસન્સ રદ્દ કરી દીધું છે. જેમાં RBIએ બેંક પાસે પૂરતી મૂડી ના હોવા અને ભવિષ્યમાં બેંકની આવકની નબળી સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. જોકે આ અગાઉ નવેમ્બર-2017માં જ રિઝર્વ બેંકે કરાડ જનતા સહકારી બેંક પર કેટલાક પ્રતિબંધો મૂક્યા હતા.

આ અંગે RBIના જણાવ્યા મુજબ, લાઈસન્સ રદ્દ થયા બાદ હવે આ બેંક સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. સેક્શન-22ના નિયમો પ્રમાણે બેંક પાસે હવે મૂડી અને આવકની કોઈ શક્યતા નથી. કરાડ બેંક બેન્કિંગ રેગ્યુલેશન 1949ના સેક્શન 56ના માપદંડો પર ખરી નથી ઉતરી. આથી હવે બેંકને ચાલુ રાખવી ખાતા ધારકોના હિતમાં નથી. વર્તમાન સ્થિતિમાં બેંક પોતાના ડિપોઝિટર્સને પૂરા પૈસા આપી શકે તેમ નથી. આજ કારણે તેનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે, કરાડ બેંકનું લાઈસન્સ રદ્દ થયા બાદ પણ 99 ટકા ડિપોઝિટર્સને તેમની જમા કરેલી રકમ પરત કરવામાં આવશે. ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન એક્ટ, 1961 હેઠળ બેંકને લિક્વિડેશન પર 5 લાખ રૂપિયા સુધીની રકમ પરત મળી જશે. આથી 99 ટકા ડિપોઝિટર્સને બેંકમાં જમા પોતાની તમામ રકમ પરત મળી જશે.

કરાડ જનતા સહકારી બેંકનું લાઈસન્સ રદ્દ કરવાનો નિર્ણય 7 ડિસેમ્બરે કામકાજના સમય બાદ જ લાગુ થઈ ગયું છે. આ સાથે જ બેંક હવે બેંકિંગ સાથે સંકળાયેલી કોઈ પણ કામગીરી નહી કરી શકે.

Leave a Reply

Your email address will not be published.