///

કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા આપશે રિઝર્વ બેંક, બોર્ડે આપી મંજૂરી

ભારતીય રિઝર્વ બેંક દ્વારા કેન્દ્ર સરકારને પોતાની સરપ્લસ રકમમાંથી 99,122 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રિઝર્વ બેંકે કેન્દ્રીય બોર્ડની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે.

રિઝર્વ બેંકે બોર્ડની 589મી બેઠકમાં 21મે એટલે કે શુક્રવારે આ નિર્ણય લીધો હતો. રિઝર્વ બેન્કે એક નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપતા કહ્યુ, રિઝર્વ બેંકના લેખા વર્ષને બદલીને એપ્રિલથી માર્ચ કરી દેવામાં આવ્યો છે, પહેલા આ જુલાઇથી જૂન હતો. માટે બોર્ડે જુલાઇથી માર્ચ 2021ના નવ મહિનાના સંક્રમણ સમય દરમિયાન ભારતીય રીઝર્વ બેન્કના કામકાજ પર ચર્ચા કરી હતી.

બોર્ડે આ સંક્રમણ દરમિયાન રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અને એકાઉન્ટને મંજૂરી આપી દીધી છે. બોર્ડે કેન્દ્ર સરકારને 99,122 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ રિઝર્વ બેંકે વર્ષ 2019માં મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી, ત્યારે રિઝર્વ બેન્કના આ નિર્ણયની વિપક્ષે ટિકા કરી હતી. બિમલ જાલાન સમિતીની ભલામણો અનુરૂપ આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

રિઝર્વ બેંકે વર્ષ દરમિયાન જે કમાણી કરે છે, પુરો ખર્ચ વગેરે કાઢ્યા બાદ જે રકમ બચે છે તેનો સરપ્લસ ફંડ હોય છે. આ એક રીતનો નફો હોય છે. હવે રિઝર્વ બેંકની અસલ માલિક સરકાર હોય છે, માટે નિયમ અનુસાર રિઝર્વ બેંક સરકારને આ નફાનો એક મોટો ભાગ આપે છે અને એક ભાગ જોખમ મેનેજમેન્ટ હેઠળ પોતાની પાસે રાખે છે.

રિઝર્વ બેંક પોતાની સરપ્લસ રકમને દર વર્ષે સરકારને આપે છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1934માં થઇ હતી અને તેનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 દ્વારા કરવામાં આવે છે. આ એક્ટના ચેપ્ટર 4ના સેક્શન 47માં કહેવામાં આવ્યુ છે કે, રિઝર્વ બેંક નફામાંથી જે સરપ્લસ ફંડ બચશે, તેને કેન્દ્ર સરકારને આપશે.

Leave a Reply

Your email address will not be published.