///

સિંગતેલના ભાવમાં તેજી, ડબ્બાનો ભાવ 2500ને પાર

એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે માંડવીના પાકને પારવાર નુકશાન થયું છે અને તેના કારણે સિંગતેલની બજાર હાલમાં ભડકે બળશે તેવા એંધાણ હતા. દરમિયાન ચીને અગાઉથી નક્કી કર્યા મુજબ ભારતમાંથી મગફળીનો જંગી જથ્થો ઉપાડતા સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં સિંગતેલ ભાવમાં ડબ્બે 350 રૂપિયાનો વધારો આવતા સામાન્ય માણસની દિવાળી બગડવાના એંધાણ આવી રહ્યાં છે.

આ વર્ષે 21 લાખ હેક્ટ જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. જોકે, કમોસમી વરસાદના પગલે મગફળીનું યાર્ડ સુધી પહોંચવું અને બજારમાં આવવું આ બંને સ્થિતિમાં જથ્થાનો માતબર ઘટાડો જોવા મળી શકે છે. તે દરમિયાન આ વર્ષે ચીને સિંગતેલનો મોટો જથ્થો ભારત પાસેથી ખરીદ્યો છે.

સૌરાષ્ટ્રના મોટા ઓઇલ મીલરો દ્વારા આ અંગે અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી કે ચીનમાંથી મોટી સંખ્યામાં ઓઇલની માંગણી છે, જેના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું થયું તો મગફળીની અછત અને એક્સપોર્ટની માંગ સામે સિંગતેલની બજાર ઊંચકાશે.

દરમિયાન ચીને અત્યાર સુધીમાં આશરે 35,000 ટન મગફળીના તેલની નિકાસ કરી લીધી છે જેના કારણે આપણી બજારમાં તેલના ડબ્બાનો ભાવ 2500ને વટાવી ગયો છે. જો બજારની સ્થિતિ આવી જ રહીં તો શુદ્ધ સિંગતેલનું ફરસાણ સામાન્ય વર્ગની પહોંચ બહાર જતું રહેશે અને આમ આદમીની દિવાળી કપાસિયા તેલ પર જ આધારિત રહી જશે.

Leave a Reply

Your email address will not be published.