વિશ્વ સહિત દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યભરમાં હાલ તહેવારોની સીઝન પણ ચાલી રહી છે. જેમાં રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ શાકભાજી અને સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
રાજ્યમાં તહેવારો નજીક આવી રહ્યાં છે. જેમાં નવરાત્રીની સિઝન ચાલી રહી છે અને દિવાળી નજીક આવી રહી છે તેવામાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેમાં સિંગતેલના પ્રતિ ડબ્બાએ ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. નોંધનિય છે કે, છેલ્લા 12 દિવસમાં તેલમાં 125 રૂપિયાનો વધારો થયો છે. જેના પગલે હાલ તેલના ડબ્બાનો ભાવ 2260 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે.
શાકભાજી પર પણ માર
તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવ પણ સતત વઘતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. હાલ ડુંગળી સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. બટાકાનો ભાવ પ્રતિ કિલો 50 તો ડુંગળીનો ભાવ 80 રૂપિયે કિલો પહોંચ્યો છે. રોજ વપરાતા મોટા ભાગના શાકભાજીનો ભાવ હાલ 100 રૂપિયા પાર છે.
ઉલ્લેખનિય છે કે આસામમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીએ લોકોને રડાવ્યા છે. કારણ કે આસામમા ડુંગળીએ પ્રતિ કીલોએ 100 પર પહોંચી છે.