////

કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાના મોતની અફવા, દીકરાએ કહ્યું…

કોરોના વાઇરસનો વિશ્વ સહિત દેશ અને રાજ્યમાં પણ યથાવત છે. તેવામા ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોનાગ્રસ્ત છે. જેની હાલમાં તબિયત લથડી છે. આ તકે નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે ગુજરાતી સ્ટારને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં 22 ઓક્ટોબરના રોજ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતાં. સ્ટારની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

પુત્ર હિતુ કનોડીયાએ કર્યો ખુલાસો

હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક એવા તત્વોએ તેમના મોતની અફવા ફેલાવી હતી. જેના પગલે પુત્ર હિતુએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતુ કે આપ સૌની પ્રાર્થનાથી મારા પિતા સ્ટેબલ છે. જેમની યુ.એન.મહેતામાં તમામ ડોક્ટર સારી સાર સંભાળ રાખી રહ્યાં છે. બસ પ્રાર્થના કરો કે તેઓ સાજા થઈને હોસ્પિટલ બહાર આવે. ખાસ તો અફવાઓમાં માનતા નહીં, મારા પિતા સ્ટેબલ છે અને સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ ના કરો.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં પણ નરેશ કનોડીયાનું અવસાન થયુ હોવાનાં સમાચાર વોટ્સએપ પર ફરતા થયા હતાં. ત્યાર બાદ આ સમાચાર નરેશ કનોડીયાને મળતા તેમણે કહ્યું હતું કે, હું નરેશ કનોડિયા જીવતો તમારી સામે છું. મારે હજુ તો ઘણી ફિલ્મો કરવી છે, લોકોને પણ ખુશ કરવા છે. તેમજ તેમણે ટીખળખોર સામે સાઇબર ક્રાઇમ હેઠળ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.