હાલમાં દુનિયાની નજર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર છે. જેમાં જો બાઈડેનની જીત ભલે નક્કી લાગતી હોય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ દાવા કરી રહ્યા છે કે, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તેઓ હશે. આ તમામ વચ્ચે રશિયાથી પણ મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પદ છોડવાનું મન બનાવી રહ્યા છે. પુતિન આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ખુરશી છોડી શકે છે.
છેલ્લા લગભગ 20 વર્ષથી રશિયાની સત્તા ભોગવી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આગામી વર્ષની શરૂઆતમાં પોતાના પદેથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પુતિનને રાજીનામું આપવાની અપીલ તેમની સાથી મિત્ર જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેમની બે પુત્રીઓએ કરી છે. રિપોર્ટ્સ મુજબ પુતિન પાર્કિન્સન્સ બિમારીથી પીડાય છે અને હાલમાં આવેલી તસવીરો બાદ પુતિનની બીમારીની અટકળો વધુ તેજ થઈ છે.
વ્લાદિમિર પુતિન 7 મે 2012થી રશિયાના રાષ્ટ્રપતિ છે અને 2018માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકા મેળવ્યા બાદ આગામી કાર્યકાળ માટે ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ પુતિન વર્ષ 2000થી 2008 સુધી રશિયાના રાષ્ટ્રપતિ તથા 1999થી 2000 અને 2008થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન રહી ચૂક્યા છે. પોતાના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાન પુતિન રશિયાની સંયુક્ત રશિયા પાર્ટીના અધ્યક્ષ પણ હતા.