રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે, ત્યારે સાબરકાંઠામાં આવેલા ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા એક સપ્તાહ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે સ્થાનિક લોકોએ સ્વયંભૂ રીતે બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ખેડબ્રહ્મા પૂર્ણપણે બંધ રહેશે.
ખેડબ્રહ્મામાં સવારના સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી બજારોને એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેડબ્રહ્મામાં કોરોનાના 70 કેસ નોંધાયા છે. તેમાં ખેડબ્રહ્મા શહેરમાં 35 અને ખેડબ્રહ્મા ગ્રામીણમાં 33 કેસ નોંધાયા છે. આમ પ્રાંતિજ, તલોદ અને ઇડર જેવા નાના શહેર બાદ વધુ એક શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના બેકાબૂ છે તેવા સંજોગોમાં પણ સાબરકાંઠા જિલ્લામાં એપીએમસીમાં શાકભાજીના વેચાણ માટે લોકોની ભીડ જામેલી જોવા મળી હતી. આ સાથે જ શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે, પ્રાંતિજ અને તલોદ જેવા શહેરોમાં કોરોના ફેલાવવાના પગલે 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર એમ બે અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો ઇડરમાં પણ કોરોનાનો વ્યાપ વધતા તથા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા અને માસ્ક વગર ફરતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જેના પગલે આગામી દસ દિવસ સુધી ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રહેશે. પ્રાંતિજ, તલોદ અને ઇડર ત્રણેય શહેરોમાં દૂધ અને દવા સિવાયની બધી દુકાનો બંધ રહેશે.