//

સઉદી અરબે પાકિસ્તાનના નક્શામાંથી કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન હટાવ્યા

પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થતો જઇ રહ્યોં છે. સઉદી અરબે ઈમરાન ખાનની સરકારને મોટો ફટકો આપ્યો છે. સઉદી અરબે પાકિસ્તાનનો નવો નક્શો જાહેર કર્યો છે. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સહિત ગિલગિટ-બાલ્ટિસ્તાનને પણ ભારતના જ ભાગ તરીકે દર્શાવ્યા છે.

આ સમગ્ર જાણકારી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતા એક એક્ટિવિસ્ટે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એવું કહેવાય છે કે, સઉદી અરબ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નક્શાને જોઈને ઈમરાન ખાન ફફડી ગયા છે. એક્ટિવિસ્ટે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ સઉદી અરબ તરફથી ભારતને દિવાળી ગિફ્ટ છે.

જણાવી દઈએ કે, આ મહિને 21 અને 22 નવેમ્બરે સઉદી અરબે G-20 શિખર સંમેલનના આયોજનની પોતાની અધ્યક્ષતા માટે 20 રિયાલની નવી નોટ બહાર પાડી છે. બેંક નોટ પર વિશ્વનો જે નક્શો છાપવામાં આવ્યો છે, તેમાં ગિલગિત-બાલ્ટિસ્તાન અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે નથી દર્શાવવામાં આવ્યા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, સઉદી અરબનું આ પગલુ પાકિસ્તાનના અપમાન કરવાના પ્રયત્ન જેવું જ છે.

અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે સપ્ટેમ્બરમાં જ કહ્યું હતું કે, તેમણે 15 નવેમ્બરે યોજાવવા જઈ રહેલી ગિલગિટ-બાલ્ટિસ્તાન વિધાનસભા ચૂંટણી વિશેનો રિપોર્ટ જોયા છે અને તેના પર વાંધો પણ ઉઠાવ્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારે પાકિસ્તાન સરકારનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતના જ અભિન્ન અંગ છે.

ઈમરાન ખાન સરકારે અગાઉ પાકિસ્તાનનો એક નવો રાજનીતિક નક્શો જાહેર કર્યો હતો. જેમાં દાવો કર્યો હતો કે, ગુજરાતના જૂનાગઢ, સર ક્રીક, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પાકિસ્તાનના જ ભાગ છે. ઈમરાન સરકારનો આ નક્શો જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370ની જોગવાઈઓ નાબૂદ કર્યાના એક વર્ષ બાદ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે હવે સઉદી અરબ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નક્શા પર પાકિસ્તાનની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

અગાઉ પણ સઉદી અરબ અને ઈરાને પાકિસ્તાનના નાપાક ઈરાદા પર પાણી ફેરવી દીધુ હતું. હકીકતમાં 27 ઓક્ટોબર જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાન એક પબ્લિક ઈવેન્ટ કરવા માંગતુ હતુ અને તેને બ્લેક ડે તરીકે મનાવવાની ઈચ્છા રાખતુ હતું. જે અંતર્ગત ઈરાનમાં પાકિસ્તાન હાઈકમિશન તેહરાન યુનિવર્સિટીમાં કાર્યક્રમ કરવા માંગતું હતું, પરંતુ વહીવટી તંત્રએ આવા કોઈ કાર્યક્રમની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.