////

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં આવ્યું, પૂર્વ ક્રિકેટરના સનસનીખેજ આક્ષેપો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા SCA અને BCCIમાં ફરિયાદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં લાભના પદનું દૂષણનો વિવાદ જાગ્યો છે. હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને ઉતારા તેમજ તગડા બિલ બનાવવામાં આવે છે તેવો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સંચાલન પૂર્વ બોસના પુત્રો દ્વારા જ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં પ્રમુખ જયદેવ શાહ પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. જ્યારે ટ્રેઝરર તરીકે પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા છે. આ અંગે અગાઉ પણ હાઈકોર્ટમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. રાયચુરા પરિવાર દ્વારા હોટેલ ફર્નનું સંચાલન કરવામાં આવે છે અને ત્યાં જ વિઝીટિંગ ક્રિકેટરના ઉતારા થાય છે અને આ રીતે લાભના પદ સમાન લાભનો દુરુપયોગ થાય છે. BCCI દ્વારા અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અહી આવનાર તમામ ટીમને આજ હોટેલમાં ઉતારવામાં આવે છે. આ હોટેલનું બિલ ખૂબ જ વધારીને વસૂલ કરવામાં આવે છે અને પાસ પણ થઈ જાય છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) અગાઉ પણ પરિવારવાદના વિવાદમાં આવી ચૂક્યું છે. ત્યારે વધુ એકવાર એસોસિયેશન પર સવાલ ઉઠ્યા છે. આ વિશે આક્ષેપ કરનાર નિખિલ રાઠોડે કહ્યું કે, ખેલાડીઓને ફર્ન હોટલમાં રોકાવામાં આવે છે. આ હોટલ રાયચુરા પરિવારની છે. ત્યારે આ હોટલના બિલ બનાવનાર અને બિલ પાસ કરનાર એક જ વ્યક્તિ છે.

આ સમગ્ર વિવાદ અંગે એસોસિયેશનના સેક્રેટરી હિંમાશું શાહે કહ્યું કે, અમારી પાસે આ અંગે ઓફિશિયલ મેઈલ આવશે તો અમે તેનો જરૂરી ખુલાસો આપીશું. નવા કોન્સ્ટિટ્યૂશન મુજબ સૌરાષ્ટ્ર એસોસિયેશન એવી તકેદારી રાખે છે કે કોઈ વિવાદ નથાય. બીસીસીઆઈની ગાઈડલાઈન મુજબ, હાલ જે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાનાર છે તે માટે પ્લેયર્સ આવ્યા છે. અમારે એસઓપી મુજબ તેઓને ઉતારા આપવા પડે છે. આ ફરિયાદ અમારા સુધી પહોંચશે ત્યારબાદ જવાબ આપીશું. આપણે હોટલ પાસેથી પ્રાઈસ લિસ્ટ મંગાવીએ છીએ. એક વર્ષ માટેના આ કરાર કરીએ છીએ. આપણે કોઈ હોટલને વધુ ચૂકવતા નથી. દરેક હોટલના ભાવ એકબીજા સાથે સરખામણી કરીને બુકિંગ આપીએ છીએ. હોટલ બુકિંગ માટે પણ અમારી એજન્સી હોય છે. તેના દ્વારા જ અમે કરીએ છીએ. કયા કારણોસર આ આક્ષેપો થયા છે તે અમારી જાણ બહાર છે. પરંતુ અમે ટ્રાન્સપરન્સી, જરૂરિયાત અને ગાઈડલાઈન સાથે કામ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.