///

આ રાજ્યમાં આજથી શાળા-કોલેજ શરૂ, વર્ગખંડમાં આવતા પહેલા RT-PCR Test ફરજીયાત

કોરોના વાયરસ વચ્ચે 10 મહિના બાદ મંગળવારથી રાજ્યની યુનિવર્સિટી અને કોલેજો ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. 15 ડિસેમ્બર એટલે કે આજથી કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવાનો નિર્ણય 9 ડિસેમ્બરે મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે 12 ડિસેમ્બરે શિક્ષણ સંસ્થાઓ ફરીથી ખોલવા માટેની SOP ગાઇડલાઇન જાહેર કરી હતી. SOPમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવતા પહેલા RT-PCR Test કરાવવો પડશે.

કોલેજના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાં પ્રવેશ આપતા પહેલા માતાપિતાની લેખિત સંમતિ લેવી પડશે. વળી, 50 ટકા ક્ષમતાવાળી કોલેજો શરૂ કરવામાં આવશે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, જે વિદ્યાર્થીઓ પાસે Practical subjects છે તેમને બોલાવવામાં આવશે. થિયરીનો અભ્યાસ ઓનલાઇન થઈ શકે છે.

આદેશમાં કહેવાયુ છે કે વર્ગ ફક્ત પ્રથમ અથવા છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે, કોલેજોએ વિભાગોની સંખ્યામાં વધારો કરવો પડશે. અલ્ટરનેટ દિવસે ઓફલાઇન વર્ગો આયોજીત કરવામાં આવશે. અનેક શિફ્ટમાં પણ અભ્યાસ કરાશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યવહારુ વિષયો માટે વર્ચુઅલ લેબનો ઉપયોગ થવો જોઈએ.

માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીઓ અને કોલેજો ખોલતા પહેલા યોગ્ય રીતે સાફ-સફાઇ કરવી પડશે. કોલેજના મુખ્ય દરવાજા પર સેનિટાઇઝર, હેન્ડવોશ, થર્મલ સ્કેનીંગ અને ફર્સ્ટ એઇડની વ્યવસ્થા કરવી પડશે. દરેક વિદ્યાર્થી અને કર્મચારીએ માસ્ક પહેરવું પડશે. માર્ગદર્શિકા મુજબ વર્ગમાં છ ફૂટનું અંતર વિદ્યાર્થીઓમાં ફરજિયાત છે અને કોલેજ કેમ્પસમાં બહારના લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિ કોરોનાવાયરસના લક્ષણો બતાવે છે, તો તેને તરત જ પાછો મોકલવામાં આવશે.

સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો આચાર્ય, શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દિશાનિર્દેશોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય રાજ્યોથી આવતા વિદ્યાર્થીઓ અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓએ કોઈ પણ સંજોગોમાં COVID-19નો ટેસ્ટ કરવો પડશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોલેજો અને યુનિવર્સિટીઓના સંજોગોને ધ્યાનમાં રાખીને ઓફલાઇન અભ્યાસના સંદર્ભમાં આચાર્ય, મેનેજમેન્ટ કમિટી અને કુલપતિને અંતિમ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. રાજ્યમાં 29 જેટલી સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 5 લાખથી વધુ છે.

Leave a Reply

Your email address will not be published.