/////

સી પ્લેનનું અમદાવાદમાં આગમન, જાણો શું છે ભાડુ

રાજ્યમાં 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની રહેશે. સોમવારે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.

બે વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. સી-પ્લેન અમદાવાદથી કેવડિયા દરરોજ 8 ટ્રીપ લગાવશે. જેમાં 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે.

વિશેષતા

સી-પ્લેનની ક્ષમતા 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે, જેમાંથી 5 ક્રૂ મેમ્બર્સ હશે. એક વ્યક્તિની ટિકિટ 4,800 રૂપિયા રાખવામાં આવી છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે.

શું છે સી પ્લેન

પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે તે ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેનના અમુક ભાગોની બનાવટ બોટના ઢાંચા જેવા હોવાથી તેને ફ્લાઇંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલું સી-પ્લેન વર્ષ 1911માં ઉડાન ભરી હતી અને પાણી પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્લેન એચ. કર્ટિસ નામના અમેરિકન ઇજનેરે આ પ્રકારનું પહેલું એરક્રાફ્ટ બનાવ્યું હતું.

સી પ્લેનનો યુદ્ધમાં ઉપયોગ કરાયેલો

પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો સારો ઉપયોગ થયો હતો. યુદ્ધ પૂર્ણ થયા બાદ આ પ્લેનનો વ્યાપારી હેતુસર ઉપયોગ પણ થવા લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન કામ લાગ્યુ હતુ. જો કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પણ સી-પ્લેનનો ઉપયોગ નાના પાયા પર થતો હતો.

આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યાર સુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 4,800 રૂપિયા નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ 8 જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે. આ યોજનાથી કેવડિયા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનશે.

ઉલ્લેખનીય છે કે, સી-પ્લેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેનું 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જેની અમદાવાદીઓ રાહ જોઇને બેઠા હતા, તેની આતુરતાનો અંત 31 ઓક્ટોબરના રોજ આવશે. આ સાથે જ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન પણ પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published.