///

સી-પ્લેનની સેવા બંધ, મેઇન્ટેનન્સને લઈ પ્લેન 10 દિવસ માટે માલદીવ મોકલાયું

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા સી પ્લેનની સુવિધાને ફરી એકવાર વધુ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સી પ્લેનને સર્વિસિંગ માટે માલદીવમાં મોકલવામાં આવનાર છે જેને લઈને આગામી 10 દિવસ સુધી સી પ્લેનની સુવિધા બંધ રહેવાના અહેવાલ છે.

વડાપ્રધાન મોદીએ 31મી ઓક્ટોબરે તેમની ગુજરાતની કેવડિયા અને અમદાવાદ યાત્રા દરમિયાન સી પ્લેન સેવાનું ઉદ્ઘઘાટન કર્યું હતું, સાથે જ વડાપ્રધાન મોદીએ અમદાવાદના સાબરમતી ખાતેથી ઉડ્ડયન કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની મુસાફરી માણી હતી.જો કે હવે આ સી પ્લેનને પ્રવાસીઓ આગામી 10 દિવસ માટે નહીં માણી શકે કેમ કે તેને સર્વિસિંગ માટે માલદીવ મોકલવામાં આવશે.

ત્યારે આ સેવાને હજુ પૂર્ણ રૂપે શરુ થયાને એક મહિનાઓ સમય પણ વીત્યો નથી, એટલામાં જ આ પ્લેન સુવિધા મહિનાની અંદર જ બીજી વાર બંધ રાખવામાં આવી રહી છે, આ મહિનામાં જ આ પહેલા પણ એકવાર મેઇન્ટેનેન્સ માટે સેવા બંધ રખાઈ હતી, ત્યારે વધુ એક વાર 10 દિવસના લાંબા સમય માટે સેવા બંધ રાખવાથી પ્રવાસીઓને હવે વધુ રાહ જોવી પડશે.

અત્યાર સુધીમાં સી પ્લેન સુવિધામાં 800 લોકો જ તેનો લ્હાવો લઇ શક્યા છે અને આ વર્ષનો અંતિમ મહિનો ખૂબ જ નજીક હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ જનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે એવા સમયે અમદાવાદથી ડાયરેક્ટ કેવડિયા સુધીની કનેક્ટિવિટી ધરાવતી સી પ્લેનની સુવિધા હાલ પૂરતી બંધ થવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટૂરિઝમને પણ ફટકો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.