///////

જાણો, વડાપ્રધાન મોદીના ઇ-લોકાર્પણને ક્યા ભાજપના નેતા ક્યાંથી વધાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસના કામોને ડિજિટલ માધ્યમથી અર્પણ કરશે. જેમાં મુખ્યપ્રધાન સહિત પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદી સવારે 10:30 કલાકે નવી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ગુજરાતના ત્રણ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ કરવાના છે. તે નિમિતે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા ઊર્જાપ્રધાન સૌરભ પટેલ સૌરાષ્ટ્રના જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ તથા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા.470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન કરશે.

આ ઉપરાંત વડાપ્રધાન જૂનાગઢના તળેટીમાં આવેલ ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂંક-અંબાજી ધામ જવા-આવવા માટેના રોપ-વે નો પણ લોકાર્પણ કરશે. એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજી યુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ ગિરનારની ટોચ પર પહોચી શકશે. રોપ વે માં વિશેષતા એ છે કે પ્રત્યેક ટ્રોલી કેબિન 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વેમાં કાર્યરત રહેશે અને દર કલાકે બંને તરફથી 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

વડાપ્રધાન આ બે વિકાસના કામો સાથે રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ શનિવારે વર્ચ્યુઅલ પ્રારંભ કરશે. જેમાં રાજ્યના દાહોદ, જૂનાગઢ અને ગિર-સોમનાથના 1570 ગામના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.