ઉત્તર પ્રદેશમાં આવેલા સંભલમાં 6 ખેડૂતોને ખેડૂત આંદોલનમાં સામેલ થવા બદલ 50-50 લાખ રૂપિયાની પર્સનલ બોન્ડ ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. જેમાં ભારતીય કિસાન યુનિયન અસલીના જિલ્લાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે. આ નોટિસ ઉપજિલ્લાધિકારી સંભલ તરફથી આપવામાં આવી છે.
ત્યારે હવે પોલીસે દાવો કર્યો છે કે, આ રકમમાં ભૂલ થઈ ગઈ તી અને તેને ઓછી કરી દેવામાં આવશે. જો કે ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રકારે નોટિસ ફટકારવી લોકતાંત્રિક અધિકારોનું હનન છે. જિલ્લાધિકારીએ પોતાની નોટિસમાં કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનથી શાંતિભંગ થવાનું જોખમ છે. આથી 50-50 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ દ્વારા બે જામીન ભરવા માટે નોટિસ ઈસ્યૂ થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આંદોલનને કચડવા માંગે છે. તેમણે રૂપિયા ભરવાની મનાઈ કરી દીધી છે.
તો બીજી તરફ ખેડૂતોને સમજાવવા માટે કૃષિ પ્રધાને 8 પેજનો પત્ર લખ્યો છે. ત્યારે આ પત્ર એક બેઠક બાદ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામેલ હતા.
આ પત્રમાં નરેન્દ્રસિંહ તોમરે લખ્યું છે કે, અનેક ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સ્વાગત કર્યું છે. તોમરે ભાવુક અપીલ કરતા કહ્યું કે, હું પણ ખેડૂત પરિવારથી જ છું અને ખેતીની બારિકીઓથી વાકેફ છુ. તોમરે કહ્યું કે, આ મારી જવાબદારી છે કે ખેડૂતોને જણાવવામાં આવે કે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.