///

ગુજરાતની 4 બેઠકો પર શંકરસિંહની તરાપ, પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા

રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેવામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત બંને પક્ષો પ્રચાર પ્રસાર કરવામાં પણ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. તેવામાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ 8માંથી ચાર બેઠકો પર પોતાના અપક્ષ ઉમેદવારો ઊભા કર્યાં છે. અબડાસા, મોરબી, ડાંગ અને કપરાડા બેઠક પરથી શંકરસિંહ વાઘેલાએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. હાલમાં વાઘેલા આ ચારેય ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા જણાવ્યું કે, ‘શંકરસિંહ વાઘેલા પેટાચૂંટણીમાં ભાજપના બૂથ એજન્ટની માફક કામ કરી રહ્યાં છે. તેઓએ ભાજપની B ટીમની જેમ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે. ગુજરાતમાં તેઓ દારૂબંધી દૂર કરીને ગુજરાતના યુવાનોને નશાખોરી અને દારૂના રવાડે ચડાવવા માંગે છે કે શું? આ એજન્ડામાં તેઓ ભાજપના છૂપા આશીર્વાદ છે કે શું તે મારે તેમને પૂછવું છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા બેઠક પર શંકરસિંહ વાઘેલાએ કેશુભાઇ પટેલની જૂની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનાં ચૂંટણી પ્રતીક બેટ સાથે હનીફ પંડ્યાને ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. અબડાસા બેઠક પર ક્ષત્રિયો ઉપરાંત પાટીદારો, દલિતો તેમજ મુસ્લિમ મતો ખૂબ મોટી સંખ્યામાં છે. જ્યારે મોરબી બેઠક પર સથવારા સમાજના વસંત પરમારને ઊભા રાખ્યા છે કે જેઓ ટ્રેક્ટર ચલાવતા ખેડૂતના નિશાન સાથે ચૂંટણી લડે છે. આ સિવાય ડાંગ બેઠક પર મનુભાઇ ભોયેને શેરડી અને ખેડૂતના નિશાનથી ઊભા રાખ્યા છે. જ્યારે કપરાડા બેઠક પર ભાજપના અસંતુષ્ટ અને ભાજપ વતી લડીને 2012માં વિધાનસભા હારેલા પ્રકાશ પટેલને ટીકીટ આપી છે.

Leave a Reply

Your email address will not be published.