///

શંકરસિંહ વાઘેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવા નીકળે તે પહેલા જ કરાયા નજરકેદ

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. ત્યારે તેઓ ગાંધી આશ્રમથી દિલ્હી સુધી ખેડૂત અધિકાર યાત્રા યોજાવાના હતા. ત્યારે આજે આંદોલન કરે તે પહેલા જ તેઓને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના નિવાસ સ્થાને વસંત વગડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગાંધી આશ્રમ ખાતે લગાવવામાં આવેલા તમામ બેનર તેમજ મુખ્ય દરવાજા પાસેથી ઝંડા પણ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શંકરસિંહ વાઘેલાના ફોટો સાથે લાગેલા બેનરો હટાવવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધુ ચુસ્ત કરવામાં આવ્યો છે.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ખેડૂત અધિકાર યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. તેઓ ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી યાત્રા યોજવાના હતા. ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મેં અટલજીના જન્મ દિવસે યાત્રાની જાહેરાત કરી હતી. આજે સાંજ સુધીમાં નક્કી કરીશ કે કાલથી શું કરવું. પણ હું ખેડૂત અધિકાર યાત્રા કરીશ. દિલ્હી નહિ જાઉં તો રાજ્યના ગામડામાં ફરીને ખેડૂતોને મળીશ. સરકારે હું બહાર ન નીકળી શકું તેવી કરી વ્યવસ્થા છે. પણ હું સરકારને પૂછવા માગું છું, કોઈને વિરોધનો અધિકાર નથી? મને સવારે સૂચના મળી કે તમે હાઉસ અરેસ્ટ છો. મને કહેવામાં આવ્યું કે તમે બહાર નહીં જઈ શકો.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગાંધીજીના દર્શન નહિ કરવા દે તો ફૂટપાથ પરથી પણ દર્શન કરી દિલ્હી જવા નીકળીશું. ઈમરજન્સીમા RSSના કાર્યકરો કોઈ જેલમાં નથી ગયા. 100 લોકોને આઈકાર્ડ સાથે દિલ્હી જવા રવાના થશું. પોલીસને જે કરવું હોય એ કરે. અને દિલ્હી નહિ જવું તો ગુજરાતના ગામડાઓમાં ફરી ખેડૂતોને મળીશ. મારી જાહેરાતને લઈ ગઈકાલ સાંજથી વસંત વગડાની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હું ઘરની બહાર પણ ન નીકળી શકું તે રીતે હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યો છે. કલમ 144 સરકાર માટે નથી, પણ આપણા માટે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગઈકાલે સાંજથી લગભગ જાહેરાત કરી ત્યારથી પોલીસ બંદોબસ્ત છે. સરકારે તમામ બેનર, ઝંડા હટાવી લીધા છે. સરકારનો વિરોધ કરવાનો પણ હક આપતી નથી. સરકાર ખાલી પોતાના જ કાર્યક્રમો કરી શકે છે. ખેડૂત અધિકાર યાત્રા ઘરની બહાર નહિ જવા દેવામાં આવે. કાશ્મીર જેવું વાતાવરણ અહીંયા ઉભું કર્યું છે. મારી પોતાની ઓળખ છે, મારે કોઈ પ્રસિદ્ધીની જરૂર નથી. અટલજીના રસ્તે જો સરકાર ચાલતી હોય તો ખેડૂતોનો વિચાર કરશે પણ તે ન કર્યું. ગુજરાત આવા લોકોને હવાલે ના રખાય. જો ખેડૂતો મામલે સરકાર કોઈ નિર્ણય નહિ લે તો હું કોઈ જાહેરાત કે કહ્યા વગર જ દિલ્હી જતો રહીશ.

Leave a Reply

Your email address will not be published.