///

પૂર્વ પોલીસ કમિશનરના પત્ર વિવાદ પર શરદ પવારનું મોટું નિવેદન, ગૃહમંત્રીના રાજીનામા મુદ્દે કહ્યું…

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે NCP પ્રમુખ શરદ પવાર હવે ગૃહમંત્રી અનિલ દેશમુખના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું કે ખુરશી પરથી હટ્યા બાદ પરમબીર સિંહે આરોપ કેમ લગાવ્યા છે, આ વાત તેમણે પહેલા કેમ ન કરી? તેમણે કહ્યું કે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપ ગંભીર છે, પરંતુ તેના કોઈ પ્રમાણ નથી. જે પત્રની વાત થઈ રહી છે તેના પર કોઈના હસ્તાક્ષર નથી. એ પણ સ્પષ્ટ નથી કે ખંડણીથી વસૂલવામાં આવેલી રકમ ગૃહમંત્રી કે તેમના કોઈ સ્ટાફને અપાઈ. તેમણે કહ્યું કે સચિન વાઝેને નોકરી પર ફરીથી બહાલ કરવાનો નિર્ણય મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહનો હતો. તેમાં મુખ્યમંત્રીની કોઈ ભૂમિકા નહતી.

દિલ્હીમાં પત્રકાર પરિષદમાં શરદ પવારે કહ્યું કે ગૃહમંત્રી વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાનો નિર્ણય લેવાનો સંપૂર્ણ હક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે છે. તેમણે કહ્યું કે મે આ મુદ્દે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વિચાર વિમર્શ કર્યો. મે મહેસૂસ કર્યું છે કે આ મામલે કોઈ નિષ્પક્ષ વ્યક્તિ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાવવી જોઈએ. હું આ માટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર જૂલિયો રિબેરોનું નામ સજેસ્ટ કરું છું. અત્રે જણાવવાનું કે જુલિયો રિબેરો મહારાષ્ટ્રના ચર્ચિત અને બેદાગ છબીવાળા પોલીસ ઓફિસર રહી ચૂક્યા છે.

શરદ પવારે કહ્યું કે ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર નિર્ણય મુખ્યમંત્રી લેશે. આ ઘટનાની સરકાર પર કોઈ અસર પડશે નહીં. પવારે સવાલ કર્યો કે જ્યારે પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવ્યા ત્યારે તેમણે આ બધા આરોપ કેમ લગાવ્યા? તેમણે કહ્યું કે 16 વર્ષ બાદ સચિન વાઝેને મુંબઈ પોલીસમાં પરત લેવાનો નિર્ણય પણ પરમબીર સિંહનો હતો. શરદ પવારે કહ્યું કે, મે સાંભળ્યું છે કે પરમબીર સિંહ દિલ્હી થઈને ગયા હતા.

આ અગાઉ એન્ટિલિયા કેસમાં પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે સચિન વાઝેને કોના દબાણમાં લાવવામાં આવ્યો? શિવસેના કે સીએમ કે પછી શરદ પવારના?

આ બાજુ એન્ટિલિયા કેસ મામલે સીએમ ઉદ્ધવ ઠાકરેના ભાઈ અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે આ કેસની તપાસ કરવી રાજ્ય સરકારના બસની વાત નથી. આ કેસમાં કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે એકવાર કેન્દ્રીય તપાસ એજન્સીના હાથમાં તપાસ જશે એટલે અનેક નામ સામે આવશે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે દેશના ઈતિહાસમાં પહેલા આવું ક્યારેય થયું હશે કે જ્યારે ગૃહમંત્રી પર આવા આરોપ લાગ્યા હોય. આ કેસમાં અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે આ કેસમાં જો પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પણ સામેલ હતા તો તેમની પણ તપાસ થવી જોઈએ. તેમની બદલી કેમ કરાઈ?

Leave a Reply

Your email address will not be published.