////

બિહાર ચૂંટણી લોહીના રંગે રંગાઈ, અંધાધૂંધ ફાયરિંગથી શિવહરના ઉમેદવારની કરાઈ હત્યા

બિહારમાં વિધાનસભા ચૂંટણી લોહિયાળ બની છે. જેમાં શિવહરના જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉમેદવાર શ્રીનારાયણ સિંહ પોતાના સમર્થકો સાથે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે આ ઘટના ઘટી. આ ઘટના બાદ તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.

મળેલ માહિતી પ્રમાણે હથસાર ગામમાં પ્રચાર દરમિયાન આ ઘટના ઘટી હતી. પુરણહિયા પોલીસ મથક વિસ્તારની હદમાં શ્રીનારાયણ સિંહ પર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોને હાજર લોકોએ ઝડપી પાડ્યા હતાં અને તેમની ખુબ ધોલાઈ પણ કરી હતી. લોકોના ગુસ્સાનો ભોગ બનેલા હુમલાખોરો ગંભીર રીતે ઘાયલ થયા જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું કહેવાય છે. જેમાં એક હુમલાખોર પાસેથી પિસ્તોલ મળી આવી છે.

શિવહર વિધાનસભા થઈને જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર શ્રીનારાયણ સિંહ શનિવારે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતાં. કહેવાય છે કે તેઓ પુરનહિયા પ્રખંડના હથસાર ગામ પાસે જનસંપર્ક કરી રહ્યા હતાં તે દરમિયાન જ બાઈક સવાર બદમાશોએ તેમના પર તાબડતોડ ફાયરિંગ કર્યું. અચાનક ફાયરિંગ થતા અફરાતફરી મચી જવા પામી હતી. ગોળી છાતીમાં વાગવાના કારણે શ્રીનારાયણ સિંહ ઘટનાસ્થળે જ લોહીથી લથપથ થઈ ગયા હતાં.

ત્યારબાદ ફાયરિંગ કરીને ભાગી રહેલા બદમાશોને ત્યાં હાજર લોકોએ ઝડપી લીધા. હુમલાખોરોને પણ એટલા માર્યા કે તેમાંથી એકનું મોત થઈ ગયું. આમ શિવહર જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉમેદવાર ઉપરાંત તેમના એક સમર્થકનું અને એક હુમલાખોરનું મોત થયું છે.

Leave a Reply

Your email address will not be published.