////

મમતા બેનરજીની TMCને ઝટકો, શુભેંદુ અધિકારીએ પ્રધાન પદેથી આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા સરકારને મોટો ફટકો પડ્યો છે. મુખ્યપ્રધાન મમતા બેનરજીના ખાસ તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારીએ પરિવહન પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેનાથી ટીએમસી સાથે તેમના બળવાની અટકળોને બળ મળ્યું છે. શુભેંદુ અધિકારીએ એક દિવસ પહેલા હુગલી રિવર બ્રિજ કમીશનના ચેરમેન પદેથી રાજીનામું આપ્યુ હતું. જોકે, હજુ સુધી તેમણે પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું.

શુભેંદુએ એવા સમયે હુગલી રિવર બ્રિજ કમીશનના ચેરમેન પદ અને પ્રધાન પદેથી રાજીનામું આપ્યુ છે જ્યારે તેમની પાર્ટી બદલવાની અટકળો લાગી રહી છે. મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા દિગ્ગજ ટીએમસી નેતા શુભેંદુ અધિકારી આશરે 30થી 40 બેઠકો પર સારો પ્રભાવ ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે પૂર્વી મિદનાપુર જિલ્લામાંથી આવતા શુભેંદુ અધિકારી ટીએમસીથી નારાજ છે અને તેવામાં તે પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ શકે છે. શુભેંદુએ હજુ સુધી પોતાનું રાજકીય પત્તુ ખોલ્યુ નથી પણ તેમણે બે પદ પરથી રાજીનામું આપી સંકેત આપી દીધા છે કે તે હવે ટીએમસીમાં ટકવાના નથી.

શુભેંદુ અધિકારીની મમતા બેનરજી સાથે બળવાની તસવીર તે સમયે સામે આવી જ્યારે ગુરૂવારે ટ્રાન્સપોર્ટ પ્રધાન શુભેંદુએ પૂર્વ મિદનાપુરના નંદીગ્રામની એક રેલીને સંબોધિત કરી હતી. જ્યાં આજથી 13 વર્ષ પહેલા પાર્ટી કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. તેની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં નંદીગ્રામમાં શુભેંદુએ સભાને સંબોધિત કરી હતી. આ નંદીગ્રામની ઘટનાએ મમતા બેનરજીને બંગાળની ખુરશી સુધી પહોચાડી હતી. તે રેલીમાં શુભેંદુએ કહ્યું હતું કે પત્રકાર અને રાજકીય નીરિક્ષક મારા રાજકીય કાર્યક્રમની જાહેરાત કરવા માટે મારી રાહ જોઇ રહ્યાં છે. તે મને તે અડચણ વિશે વાત કરતા સાંભળવા માંગે છે જે હું ઝેલી રહ્યો છું અને જે રસ્તો હું લેવા જઇ રહ્યો છું. હું આ પવિત્ર સ્ટેજ પરથી પોતાના રાજકીય કાર્યક્રમની જાહેરાત નહી કરૂ.

શુભેંદુ અધિકારીનો પ્રભાવ માત્ર તેમના વિસ્તાર પર જ નથી પણ પૂર્વી મિદનાપુર સિવાય આસપાસના જિલ્લામાં પણ તેમનો રાજકીય દબદબો છે. શુભેંદુ અધિકારી મમતા બેનરજીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનરજીથી નારાજ હતાં. આ સિવાય જે રીતે પ્રશાંત કિશોરે બંગાળમાં સંગઠનાત્મક બદલાવ કર્યો છે. તેનાથી પણ તે નારાજ છે. સાથે જ શુભેંદુ અધિકારી ઇચ્છે છે કે પાર્ટી કેટલાક જિલ્લાની 65 વિધાનસભા બેઠકો પર તેમની પસંદના ઉમેદવારોને મેદાનમાં ઉતારે.

Leave a Reply

Your email address will not be published.