ગઈ કાલે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનામાં 137 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ દિલ્હીમાં સોનાનો ભાવ 51,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર નબળી માગ અને રૂપિયામાં મજબૂતીને કારણે આ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે સોનું 51,245 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.
તો બીજી બાજુ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે ચાંદીના ભાવમાં વધારો થયો હતો. ચાંદીમાં મંગળવારે 475 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ ચાંદીનો ભાવ 62,648 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પાછલા સત્રમાં સોમવારે ચાંદી 62,173 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
બ્લૂમબર્ગ અનુસાર મંગળવારે કોમેક્સ પર ડિસેમ્બરના વાયદા સોનામાં 0.11 ટકા એટલે કે 2.10 ડોલરનો ઘટાડો નોંધાયો હતો. સોનાનો ભાવ 1903.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. મંગળવારે કોમેક્સ પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો વૈશ્વિક ભાવ 0.08 ટકા એટલે કે 0.02 ડોલરના વધારા સાથે 24.44 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો.
ભારતીય રૂપિયાની વાત કરીએ તો તે મંગળવારે શેર બજારોમાં સકારાત્મક વલણને કારણે 13 પૈસાની મજબૂતી સાથે એક ડોલરના મુકાબલે 73.71 બંધ થયો હતો.