////

અમદાવાદના આ તળાવમાં એક સાથે અધધ… માછલીઓના મોત

એક તરફ કોરોનાનો કહેર, બાદમાં આવી ચઢેલી આ ફંગસની બીમારીનો ખતરો, તે બાદ તૌકતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું અને હવે અમદાવાદના એક તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયા છે. જેને કારણે આ વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે લોકોને હવે ડર સતાવવા લાગ્યો છે કે શું ફરી આ કોઈ નવી બીમારી આવી છે?

અમદાવાદના લાંભા વિસ્તારના તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયાં છે. આ વિશે ત્યાનાં સ્થાનિકનું કહેવું છે કે, આ તળાવમાં એક જ દિવસમાં લાખો માછલીઓના મોત થઈ ગયાં છે. કયા કારણે આવું બન્યું છે તેનો ખ્યાલ આવતો નથી. પણ માછલીઓના મોતને કારણે અહીં ભયંકર દુર્ગંધ મારે છે. આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. તેમાં પણ કોરોનાના સંકટ વચ્ચે શું આ કોઈ નવી બીમારી આવી છે એવો પણ લોકોમાં ડર પ્રસરી ગયો છે.

લાંભા ગામના જ અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે, વાવાઝોડું આવ્યું તેના બીજા જ દિવસે આ સ્થિતિ સર્જાઈ છે. શું આ વાવાઝોડાની કોઈ વિપરિત અસર છે. ગ્રામજનોમાં હાલ તો માછલીઓના મોતને કારણે કોઈ નવી બીમારીનો ડર પેસી ગયો છે. તંત્રએ સત્વરે આનો નિકાલ લાવવાની જરૂર છે.

ઉલ્લેખનીય છેકે, આ પહેલાં અમદાવાદના કાંકરિયા તળાવમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયાં હતા. સવાલ એ પણ થાય છે કે, શું આ કુદરતનો પ્રકોપ છે કે, પછી માનવ નિર્મિત કોઈ ભૂલના કારણે આવું બની રહ્યું છે. હકીકત જે પણ હોય પણ હાલ તો લાંભા અને આસપાસના વિસ્તારના લોકોમાં એક આ માછલીઓના મોતને કારણે નવી બીમારોનો ડર ઘર કરી ગયો છે. હવે અમદાવાદ મનપાના તંત્રએ આ મૃત માછલીઓના નીકાલની કામગીરી હાથ ધરી છે. જોકે, તંત્રએ આ અંગે વિચાર કરવાની જરૂર છે. આના પાછળનું કારણ શોધવાની પણ જરૂર છે. કોરોના કાળમાં કોઈ નવો ખતરો સામે ન આવે તે બાબતે સતર્ક રહેવાની જરૂર છે.

અમદાવાદમાં આ માછલીઓના મોત થયા હોવાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. લાંભા તળાવમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી છે. તંત્રના કહેવા મુજબ ભેજનું પ્રમાણ વધી જવાથી તળાવમાં ઓક્સિજનની કમી ઉભી થતા માછલીઓના મોત થયા છે. તળાવમાં જીવિત રહેલી માછલીઓ માટે ઓક્સિજન મળે તે માટે તંત્રએ હવે કવાયત હાથ ધરી છે. AMC એ પાણીના સર્ક્યુલેશનનો પ્રયાસ હાથ ધર્યો છે.

Leave a Reply

Your email address will not be published.