/////

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની મોરબીમાં ગર્જના, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

મોરબી: પેટા ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જે અનુસંધાને આજે શુક્રવારે મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અને આઈ. કે. જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

વિપક્ષને આડે હાથ લીધુ

મોરબી હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે સ્મૃતિ ઈરાનીએ સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. આ સાથે જ પોતે ગુજરાતની દીકરી અને વહુ છે તેમ જણાવી ગુજરાતીમાં પણ સંબોધન કર્યું હતું. જનસભા પુરી થયા બાદ મીડિયાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, સવારના સમયે સભામાં બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જે દર્શાવે છે કે, ભાજપના ઉમેદવાર જંગી લીડથી વિજયી થશે.

આ સમગ્ર સભા દરમિયાન સ્મૃતિ ઇરાનીએ એક પણ વાર ભાજપ ઉમેદવારનું નામ લીધુ નહતું. બીજી તરફ ભાજપ ઉમેદવાર મેરજા ગેરહાજર હતાં. આ ઉપરાંત કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યુ હતું. હાર્દિક પટેલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પર કરેલા આક્ષેપોનો જવાબ આપતા સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, “હાર્દિક છ મહિના પૂર્વે જ કૉંગ્રેસમાં જોડાયો છે અને બેરોજગારને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાતો કરતાં કરતાં કૉંગ્રેસમાં જોડાઇ ગયો હતો. આજે અમારા ભાજપના 40 વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ તેના મોઢે શોભતા નથી.”

આ ઉપરાંત સભા સ્થળે હાજર જિલ્લા પ્રભારી આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ખોટા આક્ષેપો કરી અને ભાજપને બદનામ કરી રહી છે. કૉંગ્રેસ ભાંગી ગઈ છે. મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published.