/

સ્કૂલો શરૂ કરવા માટે SOP તૈયાર, કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે

કોરોના કાળમાં અને શિયાળામાં કોરોના વકરી શકે તે સંભાવનાને ધ્યાનમાં રાખીને દિવાળી બાદ શાળાઓ કેવી રીતે શરૂ કરવી તેના માટેની SOP શિક્ષણ વિભાગે તૈયાર કરી લીધી છે. દિવાળી બાદ કયા-કયા ધોરણની શાળાઓ શરૂ કરી શકાય અને તેના માટે શું-શું સાવચેતી રાખવી જોઈએ તે તમામ મુદ્દાઓને શિક્ષણ વિભાગે તૈયાર કરેલી SOPમાં આવરી લીધા છે.

શિક્ષણ વિભાગે આ સિવાય જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યાંની પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો છે અને ત્યાં શાળાઓ શરૂ કરવા માટે કયા પ્રકારની માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવી તે બધી બાબતો આવરી લીધી છે. તેની સાથે સાથે તેનો કેટલી વ્યવહારુ રીતે અમલ થઈ રહ્યો છે તેની વિગતોની પણ સમીક્ષા કરી છે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તૈયાર કરેલી SOPમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવાની સૂચનાઓ શિક્ષણ પ્રધાન દ્વારા આપવામાં આવી છે. આગામી બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં શાળા કોલેજો શરૂ કરવા સંદર્ભમાં તે મુજબ તૈયાર કરવામાં આવેલી SOPને રજૂ કરવામાં આવશે.

ત્યારબાદ તેને આખરી ઓપ આપીને નિર્ણય લેવામાં આવશે. આ અગાઉ જે રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી હતી ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો છે, તેની સાવચેતી રાખવા માટે પણ શિક્ષણ વિભાગના અધિકારીઓએ ઉલ્લેખ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.