સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નર્મદા જિલ્લાના કેવડીયામાં લોકાર્પણ થયા બાદ સ્થાનિકોને આ પ્રોજેક્ટનો મહત્તમ ફાયદો થાય એ રીતે સરકાર વિવિધ પોલિસીઓ અને પ્રોજેક્ટો બનાવી રહી છે. જેમાંથી એક પોલિસી છે હોમ સ્ટે બનાવી છે. નર્મદા જિલ્લામાં દેશ વિદેશથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવી રહ્યાં છે. સ્વાભાવિક છે કે, શરૂઆતના સમયમાં પ્રવાસીઓને રહેવા માટે હોટલ કે અન્ય કોઈ વ્યવસ્થાઓ ન હોય. જેથી પ્રવાસીઓને પણ રહેવાની સગવડ મળી રહે અને સ્થાનિકોને પણ રોજગારી મળી રહે એ માટે રાજ્યમાં પ્રવાસન વિભાગે હોમ સ્ટે પોલિસી બનાવી છે.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ ગાંધીનગરે હોમ સ્ટે પોલિસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રાજપીપળા નગરપાલિકામાં ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં હોમ સ્ટે પોલિસી શું છે? તેની સાચી સમજ અપાઈ હતી. ઉપરાંત રાજ્યમાં બહારથી આવનાર પ્રવાસીઓ હોટેલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં હોમ સ્ટે દ્વારા રાજ્યની સંસ્કૃતિ, રીતિ-રિવાજ, ભોજનની અનુભૂતિ મેળવશે.
અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના રિસર્ચ આસિસ્ટન્ટે જણાવ્યું હતું કે, રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં આવનાર પ્રવાસીઓને હોટલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં પણ રોકાઈ ઘરના વાતાવરણમાં ગુજરાતી સંસ્કૃતિ રિત-રિવાજ તથા ભોજનની અનુભૂતિ મેળવી શકે તે હેતુથી હોમ સ્ટે પૉલિસી વર્ષ 2014થી અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર અને રાજ્ય ટુરિઝમ તરફથી આ હોમ સ્ટે પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જેનાથી શહેરીજનો અને ગામડાના લોકોને હોમ સ્ટે યોજના થકી લાભ થશે. તેઓએ 100 રૂપિયાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે બાદ તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.
લોકોને હોમ સ્ટે દ્વારા આવકનો એક સ્ત્રોત ઉભો થશે. બહારથી આવતા પ્રવાસીઓ ગ્રામ્ય લેવલની રહેણી-કરણી તથા ગુજરાતી ભોજન અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાનો અનુભવ કરી શકશે. જેનાથી આપણી પરંપરાઓ અને આપણી ઓળખ અન્ય દેશોમાં અને રાજ્યોમાં પહોંચશે.આ પોલિસી અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછું 1 રૂમ અને વધુમાં વધુ 6 રૂમ સુધીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે જેનાથી તેઓને અંદાજે 5 લાખ સુધીની વાર્ષિક આવક પણ થઈ શકે છે.