////

કોરોનાના વધતા સંક્રમણને પગલે એસટી વિભાગનો નિર્ણય, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસ બંધ કરાઇ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એવામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા એસટી વિભાગ દ્વારા અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી 16 બસને બંધ કરવામાં આવી છે. રાત્રે 9થી સવારના 6 વાગ્યા વચ્ચે બન્ને શહેરો વચ્ચે દોડતી એસટી બસને બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરની 32 ટ્રીપ બંધ કરવાનો એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા રાત્રે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, જે સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. સાથે જ શહેરમાં કોરોના સંક્રમણ વધતા શનિવાર અને રવિવારે મલ્ટીપ્લેક્સ, મોલ, પાર્કને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત AMTS-BRTS બસને પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવી છે.

અમદાવાદમાં નવા 344 કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 1 કોરોના દર્દીનું મોત થયું છે. ત્યારે વધી રહેલા કોરોનાના કેસોને જોતા તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. ગાંધીનગર કોર્પોરેશનમાં પણ કોરોનાના 15 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે વધુ વિગતો આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વીકાર્યું કે, માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે રાજ્યમાં લોકડાઉન થવાનું નથી. આટલું જ નહીં, દિવસે પણ કરફ્યૂ નહીં લગાવવામાં આવે. અત્યારે માત્ર શનિ-રવિ શૉપિંગ મોલ અને થિયેટર જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે, તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.