///

રોપ વે ને લઇ ST વિભાગે ભવનાથ સુધીની બસ શરૂ કરી

વડાપ્રધાન મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગીરનાર રોપ વે ને લઇ જિલ્લા વહીવટી તંત્ર પણ વેગવંતુ બન્યું છે. જેમાં રોપ વે સુધી બહારથી આવનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગે ભવનાથ સુધી બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

મંગળવારે વહેલી સવારે 8 કલાકે આ બસને જૂનાગઢ ST ડેપોથી ભવનાથ તળેટી ગિરનાર રોપ-વે સુધી ચલાવવામાં આવી હતી. પ્રથમ દિવસે યાત્રિકોનો ખૂબ નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો, પરંતુ આગામી દિવસોમાં યાત્રિકો તેનો લાભ લેતા થશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

ST વિભાગે રોપ વે ના સંચાલન સમયની સાથે જ ST બસનું સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે. સવારે 8 કલાકથી લઈને સાંજના 5 કલાક સુધી જૂનાગઢ ST ડેપો પરથી બસનું સંચાલન કરવાનો નિર્ણય ST વિભાગે કર્યો છે.

ઉલ્લેખનિય છે કે દિવાળીનો તહેવાર આગામી દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે તહેવારમાં મોટી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારથી પ્રવાસીઓ જૂનાગઢ આવતા હોય છે. આ સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ST બસમાં બેસે તેવી શક્યતા છે. જેમ લોકો સુધી બસના સંચાલનની માહિતી પહોંચશે તેમ તેમ બસ યાત્રિકોથી ભરપૂર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.