////

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ જાન્યુઆરી માસમાં ભરાશે

રાજ્યમાં કોરોના વાઈરસ કહેર મચાવી રહ્યો છે, ત્યારે તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે. જેમાં આ પરીક્ષા હવે મે મહિનામાં યોજાશે અને આ માટેના ફોર્મ આગામી મહિને ભરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ મોટાભાગે નવેમ્બર મહિનામાં ભરવામાં આવે છે. જ્યારે માર્ચ મહિનામાં જ ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ લેવાતી હોય છે. ત્યારે આ વખતે કોરોના મહામારીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા સહિત વિવિધ કામગીરી પાછળ લઈ જવામાં આવી છે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવી પડે તેમ હોવાથી શિક્ષણ પ્રધાન દ્વારા થોડા દિવસો પહેલા જ મે-2021માં બોર્ડની એક્ઝામ યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ જાહેરાતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા જાન્યુઆરીમાં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ફેબ્રુઆરીના અંત સુધીમાં ફોર્મ ભરવાની કામગીરી આટોપી લેવાય અને મે મહિનામાં વ્યવસ્થિત રીતે પરીક્ષાનું આયોજન થઈ શકશે.

ગત વર્ષે કોરોના વાઈરસને પગલે બોર્ડ સિવાય મોટાભાગના વિદ્યાર્થીને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા. હાલ પણ મોટાભાગની સ્કૂલોમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યું છે. આથી હવે જો કોરોનાની સ્થિતિ નહીં સુધરે, તો ફરીથી અન્ય ધોરણોમાં માસ પ્રમોશનની શક્યતા નકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.