///

રાજ્યના તબીબો IMAએ કરેલા CCIM સામેના વિરોધમાં જોડાયા

આજે એલોપથી ડોકટરોની દેશવ્યાપી હડતાળ ચાલી રહી છે. ત્યારે IMA દ્વારા CCIM એક્ટના વિરોધમાં તબીબો હડતાળ પર ઉતર્યાં છે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા CCIM એક્ટને પરત લેવાની માગ એલોપથી ડોકટરોએ કરી છે. સાંજે 6 વાગ્યા સુધી હડતાળનું આહવાન કરવામા આવ્યું છે. જેમાં આયુર્વેદિક તબીબોને એલોપથીની પ્રેક્ટિસને મંજૂરી આપવાના વિરોધમાં તબીબો હડતાળ પર ઉતર્યાં છે. ત્યારે રાજ્યના તબીબો પણ આ વિરોધમાં જોડાયા છે. રાજકોટ, અમદાવાદ, જામનગરમાં પણ તબીબોએ વિરોધ દર્શાવ્યો છે.

CCIM એક્ટ અંતર્ગત આયુર્વેદિક ડોક્ટરો 58 જેટલી શસ્ત્રક્રિયાઓ કરી શકશે, જેનો એલોપથીના ડૉકટરો વિરોધ કરી રહ્યાં છે. આ અંગે IMAના અમદાવાદના તબીબોએ જણાવ્યું કે, મિકસોપથી કરવાથી આરોગ્યની સુવિધાઓ જોખમાશે. આયુર્વેદિક તબીબો શ્રુશ્રુતજીની વાત કરી રહ્યા છે, પરંતુ તેમની પદ્ધતિઓને એલોપથીએ વિકસાવી છે. છેલ્લા અનેક વર્ષોથી અમે સર્જરીઓ કરી રહ્યા છે, આયુર્વેદિક તબીબો પાસે જરૂરી સંસાધનો છે જ નહિ. ચિકિત્સા પદ્ધતિથી મિક્સ કરીને તૈયાર થઈ રહેલી ખીચડી પદ્ધતિ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહેશે. કોવિડ ડ્યુટી કરતા ડૉકટરો તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા ડૉકટરો સિવાયના ડૉકટરો હડતાળમાં જોડાયા છે. OPD બંધ રાખીને રાજ્યના એલોપથી તબીબોએ CCIM એક્ટનો વિરોધ દર્શાવ્યો છે.

રાજ્યમાં રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે IMA દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. IMA દ્વારા આપવામાં આવેલ હડતાલમાં આજે કોવિડ અને ઇમરજન્સી સેવા બાદ કરતાં રાજકોટના 1800 જેટલા તબીબો જોડાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને ઓપરેશનની છૂટ આપવામાં આવતા IMA દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના તબીબો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી તબીબી કાર્યશૈલીથી દુર રહી હડતાળનું પાલન કરી રહ્યાં છે.

આ અંગે રાજકોટ IMAના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી આયુર્વેદિક અને એલોપેથી બંને તબીબોને નુકશાન થાય એમ છે. જેની સામે અમે વિરોધ દર્શાવી રહ્યા છીએ. આયુર્વેદને પ્રોત્સાહન આપવામાં આવે એની સામે વિરોધ નથી.

તો બીજી બાજુ જામનગરમાં IMAના તબીબોએ પણ એક દિવસ કામથી દૂર રહીને વિરોધ દર્શાવ્યો છે. આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરીનો વિરોધ દર્શાવવામાં હડતાળ કરવામાં આવી છે. ત્યારે જામનગરના 550થી વધુ તબીબો હડતાળમાં જોડાયા છે. IMA સાથે જોડાયેલા તબીબો CCIM એક્ટનો વિરોધ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.