///

CM રૂપાણીની જાહેરાત, વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાશે

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તૌકતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જ્યારે ગુજરાતને જરૂરિયાત ઊભી થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમાં પડખે ઊભા રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાવાઝોડાની આફતમાં પણ વડાપ્રધાનએ ગુજરાતને કરેલી આ સહાય વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે, આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.

સાથે જ મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, આ તૌકતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે. આ સહાય પણ વડાપ્રધાનએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખની સહાય અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન ઊર્જા સહિતના વિભાગોના સચિવોને તાકીદ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.