////

મ્યુકોરમાઇકોસિસના ઈન્જેક્શનના કાળાબજારીયાઓ સામે રાજ્ય સરકારની તવાઈ

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીનું સંકટ વધ્યું છે, ત્યારે મ્યુકોરમાઇકોસિસક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમા માનવ જીંદગી બચાવવા માટે જરૂરી દવાઓના કાળાબજારીયાઓ સામે રાજ્ય સરકાર દ્વારા લાલ આંખ કરીને કડક હાથે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે Amphotericin-B Injection IP 50 mgના રૂ.314.86ની દવા રૂ.10,000માં વેચાતા ચાર વ્યકિતઓની ધરપકડ કરાવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે,રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચ, અમદાવાદના અધિકારીઓ સાથે રાખી ડમી ગ્રાહક દ્વારા છુટકુ ગોઠવી પ્રગ્નેશ લલીત પટેલ અને સ્મીત કિરીટ રાવલને રંગે હાથે કુલ નંગ 8 ઇંજેક્શન નંગ દિઠ રૂ.10,000 લેખે કુલ રૂ.80,000 ચુકવી વેચાણ કરતા ઝડપાયા હતા. તેમણે આ ઇંજેક્શન રૂપિયા 8000ના દરે વશિષ્ઠ કનુ પટેલ પાસેથી ખરીદ કર્યા હોવાનું જણાવ્યુ હતું.

વશિષ્ઠની પુછપરછમાં જણાવેલ કે, તેણે 5,000 ના દરે સદર ઇંજેક્શન પંચાલ નિરવ અમિતકુમાર પાસેથી ખરીદ્યા હતા. તંત્ર દ્વારા આ ઇંજેક્શનના નમુના લઈ તેની ચકાસણી અર્થે વડોદરા ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે આગળની વધુ તપાસ ચાલુ છે અને વશિષ્ટ કનુ પટેલ, પ્રગ્નેશ લલીત પટેલ અને સ્મીત કિરીટ રાવલનાની પોલીસે ધરપકડ કરી સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ કાર્યવાહી કમિશ્નર, નાયબ કમિશ્નર ડૉ. સી.ડી. શેલત તથા અન્ય અધિકારી અને અમદાવાદ ઝોન-2ના અધિકારીઓએ તથા અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આથી આવા બેનંબરીયા તેમજ કાળા બજારીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, કોરોના મહામારીમા મ્યુકરમાઇકોસિસની સારવાર માટે Amphotericin-B Injection IP 50 mg નો અતિઆવશ્યક દાવા તરીકે ઉપયોગ થાય છે. તેવા ઇન્જેક્શનની અમદાવાદ ખાતે હોટલ ટી.જી.બી. ની ગલીમાં એક વ્યક્તિ કાળાબજારી કરતો હોવાની બાતમી તંત્રને મળી હતી. જેના પગલે તંત્ર દ્વારા રેઈડ કરવામા આવી હતી તે દરમિયાન ઇન્જેક્શનની કાળાબજારી કરતો સંકેત પટેલને 2 ઇંજેક્શન અને રૂ.12,000/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે. જેના પરિણામે આવા લેભાગુ તત્વોમા ફફડાટ વ્યાપી ગયો છે અને ભૂગર્ભમા જતા રહ્યા છે.

તેમણે કહ્યું કે, આ ઇંજેક્શન ઉપર કોઇપણ પ્રકારની વિગતો જેમ કે, દવાના ઉત્પાદક્નું નામ, લાયસન્સ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવેલ ન હતી આમ એ દવા બનાવટી હોવાની પુરી શક્યતા વર્તાઈ રહી છે.આ દવાનો નમુનો ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે ચકાસણી માટે મોકલી આપવાની કાર્યવાહી ચાલુ છે.

આ ઇંજેક્શન ક્યાંથી અને કોની પાસે મેળવ્યા તે અંગે અધિકારીઓએ સઘન પુછપરછ કરતાં જાણવા મળ્યુ છે કે અમદાવાદની હોટલ ટી.જી.બી.ની ગલીમાં આવેલ ગ્લોબલ મેડીકલ સ્ટોરના સંચાલક પવન પટેલના મેળાપીપળામાં આ ઇજેંક્શનનું ખરીદ વેચાણ થયુ હતું આ ઇંજેક્શન તેઓએ અડાલજના અટલ આવાસ યોજનામાં રહેતા તેઓના રૂમ પાર્ટનર જીગ્નેશ ચૌહાણ પાસેથી મેળવ્યા હોવાનું આ બાબતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. આથી નાગરિકોએ પણ આવા લેબલ વગરના કોઇપણ ઇન્જેક્શન બજારમાંથી લેભાગુ માણસો પાસેથી ખરીદવા નહી.

Leave a Reply

Your email address will not be published.