અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ટેલીકોમ કંપની વોડાફોનમાં લોકડાઉનના સમય દરમિયાન 19 લાખના 76 લેપટોપ ચોરી થયા હતાં. જે અંગેની ફરિયાદ સરખેજ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે તપાસના અંતે પોલીસે કંપનીના જ બે કર્મચારીની ધરપકડ કરી છે.
કંપનીના જ કર્મચારી કલ્પેશ પરમાર અને મિત સરવૈયાની સરખેજ પોલીસે નોકર ચોરીના ગુનામાં ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 22 લેપટોપ કબ્જે કર્યા છે. આ ઉપરાંત આરોપીએ લેપટોપ વેચી જે કાર ખરીદી હતી તે પણ પોલીસે કબ્જે કરી હોવાનું સરખેજ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
ખાનગી કંપનીમાં ચોરીની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ કરી હતી. જેમાં સામે આવ્યુ કે વોડાફોન હાઉસમાં હાલ 70થી 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ પ્રિમાઇસીસમાં કર્મચારી સિવાયના કોઈને પણ એન્ટ્રી નથી. તેમ છતાં પણ અહીં મોટી ચોરી થતા કર્મચારીની સંડોવણી હોવાની શંકા હતી.
જેના આધારે પોલીસે સ્ટોર ઈન્ચાર્જ કલ્પેશ અને એન્જીનિયર મિતની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત રેકોર્ડ તપાસતા બન્ને આરોપીની ચોરીની પોલ ખુલી હતી. આરોપીએ ચોરી કરી જે લેપટોપ વેચ્યા હતાં. તે લેપટોપ પોલીસે કબ્જે કર્યા છે. જે બે લોકોને પાંચ સાત લેપટોપ 25 હજારમાં વેચ્યા તે બે ના નામ ખોલી તેઓની પણ પોલીસ પૂછપરછ કરશે.
ઝડપાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે માત્ર મોજશોખ માટે તેઓએ ચોરી કરી હતી. આ ઉપરાંત ઓફિસમાં અન્ય મિત્રો પાસે ગાડી હોવાથી તેઓએ ગાડી ખરીદી હતી અને તે ગાડી લઈ બન્ને મિત્રો મોજશોખ પુરા કરવા અન્ય રાજ્યોમાં પણ પ્રવાસ કરતા હતાં. જોકે આ ચોરીમાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.