////

AMCનો કડક નિર્ણય: માસ્ક વિના પકડાયા તો 1000 રૂપિયા દંડ ફટકારશે અને પોઝિટીવ નિકળ્યા તો…

રાજ્યમાં વધતા કોરોનાને લઈને અમદાવાદ શહેરમાં 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે. તો કોરોનાને પગલે રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજ ખોલવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી છે. તો બીજી બાજુ AMCએ વધુ એક મોટો નિર્ણય લીધો છે.

હવે અમદાવાદ શહેરમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો તેનો ત્યાં જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેમાં વ્યક્તિનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો તો તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને જો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેને ત્યાંથી જ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં તંત્રએ 57 કલાકનો કરફ્યૂ લગાવી દીધો છે. આ કરફ્યૂ આજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. કરફ્યૂ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. જેમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

આ અંગે ગુજરાતના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ જાહેરાત કરી હતી કે, શુક્રવારથી આગામી આદેશ સુધી રોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુત્રી રાત્રિ કરફ્યૂ રહેશે. જોકે, તેના કેટલાક કલાક પછી રાજીવ ગુપ્તાએ કહ્યુ કે, શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કરફ્યૂ લાગુ થશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના 1,340 નવા કેસ સામે આવ્યા છે, તો આ દરમિયાન 1,113 દર્દી સંક્રમણથી સ્વસ્થ પણ થયા છે. જ્યારે 7 લોકોના કોરોનાથી મોત પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published.