નાયબ મુખ્યપ્રધાને જુનિયર ડોક્ટર્સની હડતાળ સહિતનાં વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જુનિયર ડોક્ટર્સને જણાવ્યું હતું કે, લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા આ ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે. બહારથી આવતા ડોક્ટર્સ પણ લાખો રૂપિયા ભરે ત્યારે તેમને અહીં ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરવા દેવામાં આવે છે. જ્યારે અહીં તો સરકાર પ્રેક્ટિસની સામે 12 હજાર જેટલી રકમ આપે છે. તેવામાં આ ડોક્ટર્સ કોરોનાનાં નામે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરે તે અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ચિમકી બાદ પણ જુનિયર ડોક્ટર્સ લાલઘુમ થયા છે. ડોક્ટર્સનો આરોપ છે કે, સરકાર તેમની પાસે વેઠ કરાવી રહી છે. 12 હજાર રૂપિયા આજે કોઇ રોજમદાર મજુર હોય તો પણ તેને મળે છે. તેવામાં આટલો અભ્યાસ કરી ચુકેલા ડોક્ટર્સને માત્ર આટલું વળતર ચુકવવામાં આવે તે કેટલી હદે યોગ્ય છે. અન્ય રાજ્યોની તુલનાએ આ વળતર ખુબ જ ઓછું છે. અમે કોરોનાના કપરા સમયમાં ફ્રન્ટલાઇનર તરીકે અમારો જીવ જોખમમાં મુકીને ફરજ બજાવી છે. પરંતુ સરકાર અમારી પ્રત્યે સહાનુભુતિ તો નથી જ દાખવી રહી. પરંતુ અમે કોઇ આરોપી હોય તે પ્રકારે અમારી વિરુદ્ધ ચિમકીઓ ઉચ્ચારી રહી છે.
નોંધનીય છે કે, કોરોના કાળથી જ IMA સતત ખાનગી ડોક્ટર્સ હોય કે જુનિયર ડોક્ટર્સ સરકાર વિરુદ્ધનું સ્ટેન્ડ રહ્યું છે. ખાનગી ડોક્ટર્સ અને હોસ્પિટલનો મુદ્દો હોય કે આયુર્વેદિક ડોક્ટર્સ જેવા અનેક મુદ્દા પર સરકાર વિરોધી વલણ દાખવી ચુકી છે. ત્યારે જુનિયર ડોક્ટર્સના મુદ્દે પણ હવે IMA સરકાર વિરુદ્ધ અને જુનિયર ડોક્ટર્સની પડખે ઉભુ રહ્યું છે. તેમણે આ આંદોલનને સમર્થન કર્યું છે. સરકારને અપીલ કરી છે કે જુનિયર ડોક્ટર્સને યોગ્ય વેતન મળે તે જરૂરી છે.