////

રાજ્યની સૌ પ્રથમ યુનિવર્સિટી જ્યાં ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ મેળવી શકશે માર્કશીટ

રાજ્યમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેર્યો છે. જેનાથી વિશ્વનાં કોઇ પણ જગ્યાએથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે. એટલું જ નહિ, ક્યુઆર કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટ પણ સામે આવી જશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. રાજ્યમાં પહેલીવાર કોઈ યુનિવર્સિટી દ્વારા આવી કામગીરી હાથ ધરાઈ છે. હવે વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં જ ક્યુઆર કોડનો ઉમેરો કર્યો છે. હવે ક્યુઆર કોડ સ્કેન કરો અને તમામ માર્કશીટ ડાઉનલોડ કરો.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજીટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે, જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે. ત્યારબાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીન પેથાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વનાં કોઇ પણ ખૂણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો નહિ ખાવો પડે. તેનુ ઓનલાઇન વેરીફિકેશન થઇ જશે. આ સાથે જ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ વખતે પણ ઓનલાઇન જ વેરિફિકેશન થઇ જશે. એટલું જ નહિં, વિદ્યાર્થીની માર્કશીટનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ જોવા મળશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.

દેશની 600 કરતા વધુ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીનાં ડિજીટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે NADમાં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટી ડિઝીટલ રીતે ઉપલ્બધ બનાવ્યા છે. જેથી NADની વેબસાઇટ પર જઇને ઓનલાઇન વેરીફિકેશન કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published.