///

CM રૂપાણીને ઔદ્યોગિક બાંધકામમાં 1.80 FSL મળવા પાત્ર થાય તેવી જોગવાઈ કરવા રજૂઆત

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોમર્શિયલ વપરાશની જેમ ઔદ્યોગિક બાંધકામ માટે કુલ 1.80 FSI મળવા પાત્ર થાય તેવી જોગવાઇ કરવા માટે CM વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ચેમ્બરે રજૂઆતમાં મુખ્યપ્રધાન રૂપાણીને જણાવ્યું છે કે, રાજ્યના કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશનના ટેબલ નં. 6.8માં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI 1.00 મળવા પાત્ર છે. જ્યારે આ જ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે બેઝ FSI 1.00 તથા 0.8 પેઈડ FSI મળીને કુલ 1.80 FSI મળવા પાત્ર થાય છે.

તો દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાવર લૂમ,એમ્બ્રોઇડરી અને ગારમેન્ટ જેવા નાના-નાના ઉદ્યોગો આવેલા છે. આથી CGDCR મુજબ આવી ઇન્ડસ્ટ્રીઝને માત્ર 1.00 FSI મળવા પાત્ર છે. જેથી ઉદ્યોગકારો દ્વારા જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ કરી શકાતું નથી. આથી નાછૂટકે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે.

આમ CGDCRના ટેબલ નં. 6.8માં જણાવ્યા મુજબ, કોમર્શિયલ વપરાશ માટે 0.8 પેઈડ FSI મળવા પાત્ર છે, ત્યારે આવા પેઈડ FSIનો લાભ ઇન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાઓને પણ મળે તો તેઓ જરૂરિયાત મુજબનું બાંધકામ કરી શકે. વળી, આ 0.8 પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઇ શકે તેમ હોવાથી આ અંગેની જોગવાઇ કરવા માટે મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.