સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં કાનૂની લડત વચ્ચે મતપેટી હજુ સીલ છે. ત્યારે આજે ચૂંટાયેલા ડિરેક્ટરોની અનૌપચારિક બેઠકમાં 1લી નવેમ્બરથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિયાળાની સિઝનમાં દૂધની આવક વધતી હોય છે. જેથી દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
સુમુલ ડેરીના નિયામક મંડળના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયા બાદ હાઇકોર્ટના આદેશથી મતપેટી સીલ છે. ત્યારે કાનૂની લડત ચાલુ હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ વિના ચાલતી વહીવટી કામગીરીમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની સુમુલ ડેરી ખાતે બેઠક મળી હતી.
આ બેઠકમાં પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ રૂપિયા 30થી 35 નો ઘટાડો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં દૂધના ભાવ ઘટાડી પશુપાલકોને મોટું નુકસાન થયું છે. તેમજ દૂધના ભાવ ઘટાડા સાથે પશુ ખોરાક દાણના પણ ભાવ ઘટાડાની રજૂઆત થઈ હતી. ડિરેક્ટરોની ચર્ચાના અંતે સુમુલ ડેરી દ્વારા હાલના દૂધના કિલો ફેટ રૂપિયા 695 ભાવ છે. જેમાં રૂપિયા 20 નો ઘટાડો કરી 1લી નવેમ્બરથી કિલો ફેટે રૂપિયા 675 આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.