///

કેન્દ્ર સરકારના Central Vista Projectની રીતથી સુપ્રીમ કોર્ટ નારાજ, કહ્યું…

કેન્દ્ર સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા સંસદભવન સાથે જોડાયેલા નિર્માણ સંબંધી એક અરજી પર સોમવારે સુપ્રીમે કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. તે દરમિયાન કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટવાળા સ્થળ પર કોઈ પણ વૃક્ષ નહીં કાપવામાં આવે. સુપ્રીમ કોર્ટની એક બેન્ચે અરજી પર સુનાવણી કરી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યની પદ્ધતિઓ પર આપત્તિ વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરનારી પેન્ડિંગ અરજીઓ પર કોઈ નિર્ણય આવે ત્યાં સુધી નિર્માણ કાર્ય કે ઈમારતોને તોડવાની મંજૂરી નહીં આપે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની જાણકારી આપવા માટે કેન્દ્રને પાંચ મિનિટનો સમય આપ્યો. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે આવશ્યક દસ્તાવેજી કાર્ય કરી શકે છે અને ભૂમિપૂજનના પ્રસ્તાવિત સમારોહનું આયોજન કરી શકે છે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને ભરોસો આપ્યો કે તેઓ કોર્ટના ચુકાદો આવે ત્યાં સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ઈમારત તોડવા કે નિર્માણનું કામ નહીં કરે. જોકે સુપ્રીમ કોર્ટે પ્રોજેક્ટના ભૂમિપૂજનનો સમારોહ આયોજીત કરવાની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, 10 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી નવા સંસદની આધાર શિલા રાખશે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો હતો. આ નવું ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો હિસ્સો છે અને તેને હાલના સંસદ ભવનની નજીક બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનના નિર્માણ માટે આધારશિલા રાખશે અને 971 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા નવા ભવનનું નિર્માણ કાર્ય 2022 સુધી પૂરી થઈ જવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.