///

રાજકોટ આગકાંડ મુદ્દે રાજ્ય સરકારના રિપોર્ટથી સુપ્રીમ કોર્ટ ફરી નારાજ

સુપ્રીમ કોર્ટે વધુ એક વાર ગુજરાત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવીને ફટકાર લગાવી છે. રાજકોટ આગકાંડ મુદ્દે સરકારના રિપોર્ટથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકારના રિપોર્ટ મુજબ હોસ્પિટલોમાં સબસલામત હોવાની વાત છે, પણ તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર કરતા અલગ છે. હકીકત છૂપાવવા પ્રયાસ થઈ રહ્યો છે, સાચી રીતે હકીકત સામે આવી જોઈએ. ગુજરાત સરકારે રાજકોટ આગકાંડ મામલે બનાવેલી તપાસ સમિતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આ તો રાજકોટની વાત થઈ. અમદાવાદની હોસ્પિટલમાં જે લોકોના મૃત્યુ થયા હતા તેનું શું? ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકાર રાજકોટ આગકાંડ વિશે હકીકત દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે હકીકત દબાવવું ન જોઈએ. યોગ્ય તથ્યો સાથે એક નવી અરજી દાખલ કરવાની સૂચના આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારા અનુસાર બધુ યોગ્ય છે, પણ તમારો રિપોર્ટ તમારા મુખ્ય ઈલેક્ટ્રીકલ એન્જિનિયર કરતા અલગ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, તેઓ આ મામલાને જુએ અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે.

ગત સુનાવણીમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી અને આવી ઘટનાઓને રોકવામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અસફળતા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યોને આડે હાથ લેતા કહ્યું કે, સતત આવી ઘટનાઓ થઈ રહી છે, છતા તેને રોકવા માટે કોઈ પગલા લેવાઈ નથી રહ્યાં.

Leave a Reply

Your email address will not be published.