/////

સુપ્રીમ કોર્ટે કોવિડ ડ્યૂટી મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે કોરોના ડ્યૂટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણે કહ્યું કે, અમે વચગાળાનો આદેશ આપવા માંગતા નથી. જે લોકો માસ્ક નથી પહેરી રહ્યા તે બીજા લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગુજરાત હાઇકોર્ટનો ઓર્ડર બરાબર નહતો, કોમ્યુનિટી સર્વિસ સેન્ટરમાં મોકલવાથી તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માસ્ક ફરજિયાત છે પણ જે માસ્ક નથી પહેરતા તેમણે દંડ ફટકારવો જોઇએ. કેન્દ્ર સરકારની જે ગાઇડલાઇન છે તેનું પાલન થવું જોઇએ.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકોને 5થી 15 દિવસ સુધી લોકલ કોવિડ સેન્ટરમાં 4થી 6 કલાક સુધી સેવા કરવાનો નિર્દેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 4 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનાર વ્યક્તિને કોવિડ કેર સેન્ટરનો ચલણ આપ્યા બાદ તેનું અમલીકરણ કઈ રીતે કરવું એ મુદ્દે કોઈ નિણર્ય લઈ શક્યા નથી.

તો બીજી બાજુ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનાર લોકોને ઝડપી કોવિડ કેર સેન્ટરનો ચલણ આપી શકાય પરંતુ એ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં ગયો છે કે કેમ અને ક્યાં ક્યાં હોસ્પિટલમાં કે સેન્ટરમાં તેમને મોકલવા અને અમલવારી અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકી નથી. માસ્ક ન પહેરનાર લોકોને કોવિડ કેર સેન્ટર મોકલવાના અમલીકરણ માટે વધારાના સ્ટાફની પણ જરૂર પડશે, જ્યારે વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ જુદી જુદી સેવામાં જોડાયેલા છે. અમે કડક પગલાં લઈ રહ્યાં છે. સાથે જ આગામી સોમવાર સુધી સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.