///

છત્તીસગઢ : કલેક્ટરે યુવકને લાફો ઝીંકી દીધો, CM એ કરી કાર્યવાહી

છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે લાગેલા પ્રશાસનિક અમલીકરણ પર સવાલ ઉભા થયા છે. અહીં એક કલેક્ટરે યુવકને લાફો મારીને તેનો ફોન તોડી નાખ્યો હતો. આ મામલે કલેક્ટરે માફી માગી, પરંતુ આમ છતાં તેમની છૂટ્ટી કરી નાખવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ સીએમઓ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં આઈએએસ ગૌરવકુમાર સિંહને સૂરજપુરના નવા કલેક્ટર બનાવવાની જાણકારી મળી છે.

સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણવીર શર્માએ કોરોના લોકડાઉન દરમિયાન પોતાની સરકારી તાકાતનો કારણવગર ઉપયોગ કરતા એક યુવક સાથે એવો વ્યવહાર કર્યો કે દેશમાં તેમની આ હરકતની ખુબ ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેમના આ લાફા પ્રકરણની આકરી ટીકા થઈ રહી છે.

સૂરજપુરમાં કોરોના લોકડાઉન લાગૂ કરાવવાની જવાબદારી કલેક્ટર પર હતી, પરંતુ કલેક્ટર હોવાની ચમકમાં તેઓ પોતાના હોશ ગુમાવી બેઠા અને જરૂરી કામથી બહાર આવેલા એક યુવકનો પહેલા તો મોબાઈલ રસ્તા પર પટકી નાખ્યો અને ત્યારબાદ તેને થપ્પડ મારી દીધી. આટલું ઓછું પડ્યું તો પોલીસવાળા પાસે ડંડાથી માર પણ ખવડાવ્યો. વાત દૂર સુધી ગઈ તો કલેક્ટર સાહેબે માફી માંગવી પડી.

સોશિયલ મીડિયાની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે માત્ર ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાર્યવાહી કરતા કલેક્ટરને તત્કાળ પ્રભાવથી હટાવી દીધા. સીએમએ ટ્વિટ કરીને લખ્યું કે સૂરજપુરના કલેક્ટર રણબીર શર્મા દ્વારા આ નવયુવક સાથે દુર્વ્યવહારનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. આ ખુબ જ દુ:ખદ અને ટીકાપાત્ર છે. છત્તીસગઢમાં આ પ્રકારના કૃત્યને સહન કરવામાં આવશે નહીં. કલેક્ટર રણબીર શર્માને તત્કાળ પ્રભાવથી હટાવવાના નિર્દેશ અપાયા છે. હું આ ઘટનાથી સ્તબ્ધ છું આથી નવયુવક અને તેના પરિવારજનો પ્રત્યે ખેદ વ્યક્ત કરું છું.

ઘટના બાદ જે યુવક સાથે ડીએમએ અભદ્રતા કરી હતી તેના પરિજનોએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા નારાજગી વ્યક્ત કરી છે. પીડિત છોકરાના પિતાએ કહ્યું કે તેમની પત્ની અને તેમને કોરોનાની વેક્સિન મૂકવામાં આવી છે. જેના કારણે પુત્રને બહાર દવા લેવા માટે મોકલ્યો હતો. તેમણે જણાવ્યું કે કલેક્ટરે તેમના પુત્ર સાથે જે વ્યવહાર કર્યો તે તકલીફ આપનારો છે.

Leave a Reply

Your email address will not be published.