///

સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી પીવીએસ શર્માની ધરપકડ

સુરત ભાજપ નેતા અને પૂર્વ IT આધિકારી PVS શર્માની શનિવારના દિવસે ધરપકડ કરવામાં આવી છે. PVS શર્માને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. PVS શર્મા શહેરના જ્વેલર્સ સામે કરચોરીનો આરોપ મૂક્યા બાદ વિવાદોમાં સપડાયા હતા. ત્યારબાદ તેમના ઘણા સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. શર્માની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત ભાજપ નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી PVS શર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના પગલે આઇટીએ PVS શર્માના ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો. આ તપાસમાં કેટલાક બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી. સુરત આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસમાં PVS શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે ફરિયાદ નોંધાવી છે.

આ તપાસમાં સી.એ. અડોકીયાની જૂની ઓફિસ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો સાથે જ મહેશ ટ્રેડીંગ નામની કોઈ કંપની નથી તેવું સીએ દ્વારા તપાસમાં કહેવામાં આવ્યું હતું. જેના પગલે આઇટીના ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટના અધિકારી ડો.પેમ્મય્યા કે. ડીએ ઉમરા પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં લખાવ્યું છે કે, 2008-09 થી 21-10-20 દરમિયાન ન્યુઝ પેપરના છાપકામ માટેના રો-મટીરીયલ્સની ખરીદી ઓછા પ્રમાણમાં કરવામાં આવી હતી. PVS સરમાએ ખોટી રીતે વધુ આર્થિક લાભ મેળવવા માટે મહેશ ટ્રેડીંગ એન્ડ કંપની તેમજ અન્ય બોગસ કંપનીઓ પાસેથી રો-મટીરીયલ્સ ખરીદની ખોટી એન્ટ્રી બતાવી હતી.

આ અંગે ઉમરા પોલીસે IPC કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ઉમરા પોલીસે આ કેસમાં ડાયરેક્ટર સીતારામ અડુકીયા અને મેનેજર મુસ્તાક સઈદ બેગની ધરપકડ કરી હતી, જોકે પોલીસ PVS શર્માની ધરપકડ કરે તે પહેલાં જ તેમને નવસારી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આપઘાતના પ્રયાસ બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ઉમરા પોલીસે હોસ્પિટલમાં બંદોબસ્ત મૂકી શર્માની અટકાયત કરી હતી, જોકે ડોકટરના અભિપ્રાય બાદ શર્માને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઉમરા પોલીસે તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.