////

ભારત બંધને સમર્થન નહીં, સુરતની ટેક્સટાઇલ માર્કેટ રાબેતા મુજબ શરૂ રહી

કૃષિ બિલના વિરોધ અને ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે. આજે મંગળવારે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં આ ભારત બંધના એલાનની ખાસ અસર જોવા મળી નહતી. કોંગ્રેસે ભારત બંધના એલાનને સમર્થન આપતા સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા હતાં.

સુરતમાં ભારત બંધને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ જગ્યાઓ પર વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. વરાછા માનગઢ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતાં અને ત્યાં બેનરો અને સુત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા હતાં. તે સમયે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમની અટકાયત કરી હતી.

સુરતના રીંગરોડ ખાતે પણ કોંગ્રસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસની મહિલા કાર્યકરો બેનરો સાથે રોડ પર બેસી ગઈ હતી અને રોડ બ્લોક કરી દીધો હતો. તેઓએ ભાજપ વિરોધી સુત્રોચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધના પગલે થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે પોલીસે અહીં પણ અટકાયતનો દોર શરુ કર્યો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના પ્રમુખ, કોર્પોરેટરો અને નેતાઓને તેમના ઘર નજીકથી જ પોલીસે કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી. સુરત કોંગ્રેસના પ્રમુખે પોલીસની આ કામગીરીને સરમુખત્યારશાહી ગણાવી હતી. કોંગ્રેસ શાંતિપૂર્ણ વિરોધ કરવા જઇ રહી હોવા છતાં પોલીસે કાર્યકરો અને નેતાઓને તેમના ઘર નજીકથી ઉંચકી લેતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સુરતમાં શિવસેનાએ સમર્થન આપ્યું હતું. જેમાં ચોકસી બજાર ખાતે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેનાના નેતાઓએ વડાપ્રધાન મોદીના ફોટા પર કળશ રાખી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરો અને શિવસેનાના નેતાઓની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.