///

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના પિતા અને ભાઇને Y+ સિક્યુરિટી અપાશે

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીને નંદીગ્રામ બેઠક પરથી હરાવનારા ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પિતા અને ભાઇની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે શનિવારે સિક્યુરિટી વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં સુવેન્દુ ના પિતા શિશિર અધિકારી અને તેમના ભાઇ દિવ્યેદુ અધિકારીને હવે Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.

સુવેન્દુ અધિકારી અને તેના પિતા ભાજપમાં છે, જ્યારે તેમના ભાઇ દિવ્યેદુ અત્યારે પણ ટીએમસીમાં છે. સુવેન્દુ ગત વર્ષે ડિસેમ્બરમાં ભાજપમાં સામેલ થયા હતા, ત્યાર બાદ તેમની સિક્યુરિટી Y+થી વધારીને Z કેટેગરી કરી દેવામાં આવી હતી, જ્યારે તેમના પિતા શિશિર અધિકારી પણ ચૂંટણી પહેલા ભાજપમાં આવ્યા હતા. આ પહેલા બન્ને જ તૃણમૂલમાં હતા.

સુવેન્દુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી મુખ્યમંત્રી મમતા બેનરજીને આશરે બે હજાર મતના અંતરથી હરાવ્યા છે. સુવેન્દુ અધિકારી બંગાળમાં ભાજપ વિધાયક દળના નેતા છે. બીજી તરફ શિશિર અધિકારી અને દિવ્યેદુ અધિકારી બન્ને લોકસભા સાંસદ છે.

ચૂંટણીમાં સીએમ મમતા બેનરજીની પાર્ટી ટીએમસીએ 213 બેઠક મેળવી છે. જોકે, મમતા બેનરજી ખુદ નંદીગ્રામથી ભાજપના સુવેન્દુ અધિકારીના આશરે બે હજાર મતથી હારી ગયા હતા. બીજી તરફ ભાજપને 77 બેઠક પર જીત મળી છે. અન્યના ખાતામાં બે બેઠક આવી છે. લેફ્ટ અને કોંગ્રેસના તો સૂપડા સાફ થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, Y+ કેટેગરીની સુરક્ષામાં સીઆરપીએફના જવાન પણ તૈનાત થાય છે. આ કેટેગરીની સુરક્ષામાં સીઆરપીએફના 5 જવાન હોય છે. સાથે જ ત્રણ અલગ-અલગ શિફ્ટમાં 6 પીએસઓ એટલે પર્સનલ સિક્યુરિટી ઓફિસર પણ સાથે રહે છે.

Leave a Reply

Your email address will not be published.