///

આજે અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

AMCની ઝોનલ ઓફિસમાં ગઈકાલે એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસના મામલે આજે સમગ્ર શહેરમાં સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

સાથે જ આ હડતાળને મ્યુનિસિપલ નોકર મંડળનો પણ ટેકો મળ્યો છે. શહેરના બોડકદેવ ઝોનલ ઓફિસે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકત્રિત થયા હતા. તમામ કર્મચારીઓ ઝોનલ ઓફિસ આગળ બેસી ગયા હતા. સાથે જ સફાઈ કર્મચારીઓએ વાહનો પણ રોક્યા હતા. આ હડતાળમાં કર્મચારીઓ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદમાં આજે સવારથી જ ફરજ બજાવતા 17000 કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. જેથી આજે શહેરભરમાં સફાઈ બંધ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા આજે શહેરમાં સફાઇ કામ નહિ થાય. મ્યુનિસિપલ નોકર મંડળ સફાઇકર્મીઓનું સૌથી મોટુ સંગઠન છે. તો બીજી તરફ, કર્મચારીઓને ટોળાને જોતા પોલીસની 6 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. બે PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.