///

આખરે અમદાવાદના છેવાડાના ગામોમાં પણ પહોંચ્યુ નળનું પાણી

અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ તમામ એ છેવાડાના ગામડાઓ છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા છે. કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલુ ગામ છે. ગણોલ ધોળકા તાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જીલ્લામાં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ પહોચ્યુ છે. ‘જલ જીવન મિશન’ અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ૧૦૦% ઘરોને નળથી જળ પહોચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે.

હાલ અમદાવાદ જિલ્લાના ૩૬૪ ગામો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા ૧૨૦ ગામડામાંથી ૩૯ ગામોને ૧૦૦% નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાંટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ જિલ્લો ૧૦૦% ઘરોમાં નળ જોડાણ ધરાવતો બને તે મુજબનું આયોજન છે. કરણગઢ ગામના રહેવાસી મનજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો’ એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ ૫.૩૨ લાખના ખર્ચે ગામના ૧૪૫ ઘરોને નળ કનેક્શન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ‘જલ જીવન મિશન’ નું લક્ષ્યાંક ૧૦૦% ઘરોને નળથી જળ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનું છે. પરંતુ રાજ્ય સરકારે જે આગોતરું આયોજન કર્યું છે તેના પરિણામે બે વર્ષ વહેલું એટલે કે ૨૦૨૨માં જ ગુજરાત આ લક્ષ્યાંક પૂર્ણ કરી દેશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પાણી પૂરવઠા વિભાગ અને ‘વાસ્મો’ની સંયુક્તની ભાગીદારીને કારણે અમદાવાદ જિલ્લામાં જળ વ્યવસ્થાપન અને વિતરણનું વિકેન્દ્રિત માળખુ તૈયાર થયું છે. જેના સુખદ પરિણામે કરણગઢ જેવા નળકાંઠાના ગામોમાં ઘરના ફળીયા સુધી નળથી પાણી પહોચતું થયું છે.

Leave a Reply

Your email address will not be published.