///

છોટાઉદેપુરમાં શિક્ષકે કરી આચાર્યની હત્યા, આરોપીના 9 ડિસેમ્બરે લગ્ન હતા

છોટાઉદેપુરમાં એક શિક્ષકે છરી વડે આચાર્યની હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. જિલ્લાના નસવાડી તાલુકા ખાતે આ બનાવ બન્યો છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ હત્યારા શિક્ષકના પાંચ દિવસ બાદ લગ્ન હતાં. આ બનાવ બાદ પોલીસે આચાર્યના મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે.

નસવાડી તાલુકાના લિંડા મૉડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યા થઈ છે. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠીયાએ કરી છે. બંને શિક્ષક એક જ સોસાયટીમાં રહે છે.

પીડિત શિક્ષકની પત્નીના આક્ષેપ પ્રમાણે ભરત પીઠીયા છરો લઈને આવ્યો હતો અને તેમના પતિ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપી શિક્ષકે પીડિત શિક્ષકની પત્ની અને દીકરી પર પણ છરાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા શિક્ષકની પત્ની અને દીકરીને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હત્યા બાદ આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે.

એવી પણ માહિતી મળી છે કે પીડિત આચાર્ય અને આરોપી શિક્ષક પિતરાઈ ભાઈ થાય છે. પ્રાથમિક સ્કૂલના શિક્ષકે શા માટે તેના જ પિતરાઇ ભાઈ એવા આચાર્યની હત્યા કરી નાખી છે તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. એવી પણ માહિતી મળી છે કે હત્યારા શિક્ષકના આગામી 9મી ડિસેમ્બરના રોજ લગ્ન નક્કી કર્યાં છે.

નસવાડીના રામદેવનગરમાં રહેતા લિન્ડા મૉડલ શાળામાં મેરામણભાઈ પીઠીયા પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ પોતાના પરિવાર સાથે નસવાડીમાં રામદેવનગર સોસાયટીમાં રહેતા હતાં. જ્યારે તેમનો પિતરાઈ ભાઈ નસવાડી તાલુકાના કોલંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે.

મળતી માહિતી મુજબ બંને પિતરાઈ પડોશમાં જ રહેતા હતાં. હત્યાના 12 કલાક પહેલા જ બંનેએ સાથે ભોજન પણ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ પીડિતની પુત્રી અને પત્નીની હાલ બોડેલી ખાતે સારવાર ચાલી રહી છે. નસવાડી પોલીસ આ કેસમાં મૃતકની પત્નીની ફરિયાદ લઇ કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરતભાઈ પીઠીયાને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.